દેવામાં ડૂબેલી અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપની કંપની રિલાયન્સ ઈન્ફ્રામાંથી તેમના પુત્રોએ રાજીનામા આપી દીધા છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં જ તેમના પુત્રો જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણીને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરાયા હતા. માત્ર છ માસની અંદર જ તેમણે તેમના પદ પરથી રાજીનામા આપી દીધા છે. કંપની દ્વારા 31 જાન્યુઆરીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જને લખેલા પત્રમાં આ જાણકારી આપવામાં આવી છે. બંનેના રાજીનામાને કારણે કંપનીના શેરમાં કડાકો બોલાયો હતો. કંપનીના શેરમાં સોમવારે 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
કંપની દ્વારા રાજીનામાના કારણો કે પછી બંને ભાઈઓના ભવિષ્યની ભૂમિકાને લઈને કોઈ જાણકારી આપવામાં આવી નથી. રિલાયન્સ ઈન્ફ્રા પહેલા જય અંશુલ અંબાણી ગ્રૂપની ફાઈનાન્શિયલ સર્વિસ કંપની રિલાયન્સ કેપિટલમાં એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા.
જય અનમોલ અંબાણીને રિલાયન્સ ઈન્ફ્રાના ડિફેન્સ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી હતી. રિયાલન્સ ઈન્ફ્રા પહેલાથી 6000 કરોડ રૂપિયાના દેવાના સંકટથી ઝઝૂમી રહી છે. આવામાં અનિલ અંબાણીના પુત્રોના અચાનક રાજીનામાંથી રોકાણકારોનો વિશ્વાસ કંપની પરથી ઉઠી શકે છે.

