વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસને કારણે ચાલુ વર્ષે હોળીના કાર્યક્રમોમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, “કોરોના વાઇરસ ફેલાતો અટકે તે માટે વિશ્વભરમાં નિષ્ણાતો સામૂહિક કાર્યક્રમો ઘટાડવાની સલાહ આપે છે. આથી મેં આ વખતે હોળી મિલનના કાર્યક્રમમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે.”
ચીનના વુહાન શહેરથી શરૂ થયેલો કોરોના વાઇરસનો ચેપ અત્યારસુધીમાં મોટાભાગના દેશ સુધી પહોચીં ગયો છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી.
ભારતમાં કોરોનાનો પહેલો કેસ કેરળમાં નોંધાયો હતો.
કોરોના વાઇરસને કારણે અત્યારસુધીમાં વિશ્વમાં ત્રણ હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 85 હજાર કરતાં વધુ લોકોને તેનો ચેપ લાગ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધનના કહેવા પ્રમાણે, કેન્દ્ર સરકાર કોરોના સામે સજ્જ છે.
ગુજરાતના નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
ગુજરાતના નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યનો આરોગ્ય વિભાગ અન્ય રાજ્યો સાથે સંપર્કમાં છે તથા કેન્દ્ર સરકાર દ્વારા પણ માર્ગદર્શન મળી રહ્યું છે.
ઍરપૉર્ટ ઉપર આવતાં મુસાફરોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મંગળવારે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોના આરોગ્ય સચિવોની વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી
પટેલે ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર સતર્ક છે. તમામ 33 જિલ્લામાં આઇસોલેશન વૉર્ડ ઊભા કરવામાં આવ્યા છે અને રાજ્યમાં કોરોનાનો કોઈ પૉઝિટિવ કેસ નોંધાયો નથી.
ક્યાં-ક્યાં કેસ?
પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો (પી.આઈ.બી.) દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, સૌ પ્રથમ વખત કેરળમાં ત્રણ લોકોને ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું. ત્રણેય પૉઝિટિવ કેસને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી.
ત્યારબાદ વધુ ત્રણ કેસમાં કોરોનાનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે છ લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે અને તપાસ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તમામને આઇસોલેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.
દિલ્હી, રાજસ્થાન તથા તેલંગણામાં એક-એક પૉઝિટિવ કેસ નોંધાયા છે.
દિલ્હીની વ્યક્તિ ઈટાલીથી આવી હતી, તેમના સંપર્કમાં આવેલા આગ્રાના છ લોકોને પણ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
નોઇડાની બે પ્રાઇવેટ સ્કૂલને સાવચેતીના પગલારૂપે બંધ કરી દેવામાં આવી છે.

