મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી ફસલ પાક વીમા યોજના ખેડૂતોને સુરક્ષિત કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવી છે ત્યારે આ દેશના ઇતિહાસમાં ગુજરાતમાં 2600 કરોડ રૂપિયા જેટલી રકમ ખેડૂતોને તેમના પાક વીમા પેટે તેમના ખાતામાં જમા કરી છે.
પાક વીમાની રકમનો વીમા કંપનીના બદલે ખેડૂતોને સીધો જ લાભ મળે તે માટે કોપર્સ ફંડ ઉભુ કરવા રાજ્ય સરકારે દરખાસ્ત કરી છે જેનાથી સમયસર ખેડૂતોને પાક વીમા પેટે તેમના નુકસાનની રકમ આપી શકાય. કૃષિ મંત્રીએ મગફળી માટે રૂપિયા 1800 કરોડ જેટલી રકમ પાક વીમા પેટે ચૂકવાઈ હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે પાક વીમાની ગણતરી ક્રોપ કટિંગને આધારે નિયત કરવામાં આવી છે અને તે ક્રોપ કટિંગને આધારે પાક વીમાની ગણતરી કરી રકમ ચૂકવવામાં આવે છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, વિમાની રકમ નુકશાનીના આધારે ચૂકવવામાં આવે છે, પરંતુ ખેડૂતોના હિતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રીમિયમની રકમો શરતોને આધીન ચૂકવવામાં આવે છે અને ક્રોપ કટિંગની નિયત પદ્ધતિને આધારે જે-તે ખેડુતોના દાવાઓની રકમ ચૂકવવામાં આવે છે.
કૃષિ મંત્રીએ જણાવ્યું કે, પાક વીમાના પ્રીમિયમ પેટે ટેન્ડરથી મળેલ કંપનીના પ્રીમિયમ દરમાંથી ખેડૂતો તરફથી ભરવામાં આવેલ પ્રીમિયમ દર બાદ કરી બાકી રહેલ પ્રીમિયમ દરમાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો 50-50 ટકા હિસ્સો રહેલો છે.
મંત્રીએ જણાવ્યું કે, તા.31-05-2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં 2017માં ખરીફ પાક માટે રાજ્ય સરકાર દ્વારા વીમા કંપનીને રૂ.13,92,70,05,896 રવિ ઉનાળુ પાક માટે રૂ.38,36,98,763, 2018માં ખરીફ પાક પેટે રૂ.13,35,30,02,493 તથા રવિ ઉનાળો પાક માટે રૂ.33,65,76,072 અને આટલી જ રકમ કેન્દ્ર સરકાર તરફથી પ્રીમિયમ સહાય પેટે ચૂકવવામાં આવી છે.
કૃષિમંત્રીએ ચુકવાયેલા દાવાઓની વિગતો આપતા જણાવ્યું કે 2017માં ખરીફ પાક માટે એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની, ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની, ઈફ્કો ટોકયો જનરલ ઇન્શ્યોરન્સ કંપની તથા એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સ કંપની એમ મળી કુલ રૂ.10,54,75,87,463 ચૂકવવામાં આવ્યા છે.
એ જ રીતે 2017માં રવિ ઉનાળુ પાક માટે ઈફ્કો ટોકયો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ રૂ.14,56,72,365 ચૂકવવામાં આવ્યા છે. તેવી જ રીતે 2018ના ખરીફ પાક માટે એગ્રીકલ્ચર ઈન્સ્યુરન્સ કંપની, રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપની, યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્શ્યોરન્સ કંપની તથા ભારતી એક્ષા જનરલ ઇન્શ્યોરન્સ કંપનીએ કુલ મળી રૂ.20,50,19,20,809 ચૂકવાયા છે.

