વર્લ્ડ કપમાં મોહમ્મદ શમી અને જાડેજાનાં કારણે કોહલી અને રોહિત વચ્ચે પડી તિરાડ!

ખેલ-જગત મુખ્ય સમાચાર

ભારતીય ટીમનાં ખેલાડીઓ વચ્ચે બધું જ વ્યવસ્થિત ના હોવાના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે બધું ઠીક નથી અને ટીમમાં બે ભાગ પડી ગયા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય ટીમ વર્લ્ડ કપમાં બે જૂથમાં રમી. એક ગ્રુપ રોહિત શર્માનું હતુ અને બીજું ગ્રુપ વિરાટ કોહલીનું. રોહિત શર્માનાં ગ્રુપનાં ખેલાડીઓને વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીનાં નિર્ણયો પસંદ આવ્યા નહીં. ઘણી વખત રોહિતે કોહલીનાં નિર્ણયો પર નારાજગી વ્યક્ત કરી. આના કારણે બંને વચ્ચે અણબનાવ વધ્યો.

શાનદાર ફૉર્મ છતા શમીને સેમિ-ફાઇનલમાંથી રખાયો બહાર

રિપોર્ટ્સ અનુસાર સેમિ-ફાઇનલમાં મોહમ્મદ શમીને બહાર બેસાડવાનાં નિર્ણયથી રોહિત શર્મા અને તેનું ગ્રુપ નારાજ હતુ, કેમકે શમી વર્લ્ડ કપમાં શાનદાર ફૉર્મમાં હતો અને તેણે 4 મેચમાં જ 14 વિકેટ ઝડપી લીધી હતી. રોહિતે આ નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. જો સેમિ-ફાઇનલ મેચ પર નજર નાંખીએ તો આ દાવામાં સત્યતા જોવા મળી રહી છે. ન્યૂઝીલેન્ડની સામે સેમિ-ફાઇનલમાં રવિન્દ્ર જાડેજા જ્યારે ચોગ્ગા-છગ્ગા ફટકારી રહ્યો હતો, ત્યારે રોહિત શર્મા તેનો ઉત્સાહ વધારી રહ્યો હતો.

કોહલીની આગેવાનીમાં ભારત નથી જીત્યું એકપણ ICC ટૂર્નામેન્ટ

રિપોર્ટ પ્રમાણે વર્લ્ડ કપમાં જેમ જેમ રોહિત શર્મા સદી ફટકારી રહ્યો હતો, તેમ તેમ તેના ગ્રુપનાં મંતવ્યો મજબૂત બની રહ્યા હતા. એટલું જ નહીં, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેમિ-ફાઇનલમાં હાર્યા બાદ રોહિત શર્માનાં ગ્રુપે વિરાટ કોહલીને કેપ્ટનશિપમાંથી હટાવવાની માંગ કરી હતી, જેણે અત્યાર સુધી એકપણ આઈસીસી ટૂર્નામેન્ટ જીતી નથી. બૉલિંગ કૉચ ભરત અરૂણે પણ કહ્યું હતુ કે કેટલાક ખેલાડીઓ એક ટીમ યૂનિટ તરીકે કામ કરી રહ્યા છે, પરંતુ વાદ-વિવાદમાં આવી વાતો થઈ જાય છે.

વિરાટ કોહલીએ આરામનો નિર્ણય માંડી વાળ્યો, વેસ્ટઈન્ડીઝ સામે રમશે

વેસ્ટઈન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત પહેલા એવા સમાચાર હતા કે વિરાટ કોહલીને આરામ આપવામાં આવી શકે છે અને વાઇસ કેપ્ટન રોહિત શર્માને ટી-20 અને વન ડેનો કેપ્ટન બનાવવામાં આવે શકે છે. પહેલા પણ આવું થઈ ચુક્યું છે, જ્યારે કોહલીની ગેરહાજરીમાં રોહિત કેપ્ટન બન્યો હતો, પરંતુ બંને વચ્ચે અણબનાવનાં અહેવાલો વચ્ચે વિરાટ કોહલીએ આરામ ના લીધો. સાથે જ રોહિત પણ વેસ્ટઈન્ડીઝ જઇ રહ્યો છે. જો વિરાટ કોહલી આરામ પર રહ્યો હોત અને રોહિતની આગેવાનીમાં ભારતીય ટીમ વેસ્ટઈન્ડીઝમાં ટી-20 અને વન ડે જીતવામાં સફળ રહી હોત તો તેને કાયમી કેપ્ટન બનાવવાનો દાવો મજબૂત થાત.

રોહિતની કેપ્ટનશિપમાં ભારતની જીતની ટકાવારી વધારે

વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિતે જ્યારે પણ કેપ્ટનશિપ કરી છે, ત્યારે ભારતને સારી એવી સફળતા મળી છે. રોહિતે 15 ઇન્ટરનેશનલ ટી-20 મેચોમાં કેપ્ટનશિપ કરી છે, જેમાંથી ભારતે 12 મેચોમાં જીત મેળવી છે. તેની કેપ્ટનશિપમાં ભારતે શ્રીલંકામાં નિદહાસ ટ્રૉફી જીતી હતી. તો વન ડેમાં રોહિતની કેપ્ટનશિપમાં ભારતે 9માંથી 8 મેચ જીતી છે. વિરાટની કેપ્ટનશિપમાં ભારતે 77 મેચોમાંથી 56 જીતી છે અને 19 હારી છે, જ્યારે 22 ટી-20માંથી 12 મેચોમાં જીત મેળવી છે અને 9માં હારનો સામનો કરવો પડ્યો છે.