ગઇકાલે આપેલા વિવાદિત નિવેદન બાદ પ્રજ્ઞાસિંહ ઠાકુરને દિલ્હીનું તેડૂ

મુખ્ય સમાચાર રાજકીય

ભોપલ લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર પોતાના વિવાદિત નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે ત્યારે ગઇકાલે મધ્યપ્રદેશમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, અમે ગટર સાફ કરાવવા માટે સાંસદ નથી બન્યા. તેમના આ નિવેદનથી ભાજપ હાઇકમાન્ડ તેનાથી નારાજ છે અને તેમને દિલ્હીનું તેડૂં આવ્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે, પાર્ટી તેમના પર કાર્યવાહી કરી શકે છે અને તેમના માટે તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. પ્રજ્ઞાસિંહ ઠાકુર દિલ્હીમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા અને મહાસચિવ(સંગઠન) બીએલ સંતોષ સાથે મુલાકાત કરશે. ફરીવાર સત્તામાં આવ્યા બાદ ભાજપ પોતાની છબીને લઇને કોઇ બાંધછોડ કરવા માંગતુ ન હોય તેમ લાગી રહ્યું છે અને તેથી જ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર બોલાવવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, મધ્યપ્રદેશના સીહોરમાં સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે કહ્યું હતું કે, અમે ગટર સાફ કરાવવા માટે સાંસદ નથી બન્યા. શૌચાલય સાફ કરાવવા માટે બિલકૂલ નથી બન્યા. અમને જે કામ માટે બનાવવામાં આવ્યા છે તે કામ અમે ઇમાનદારીથી કરીશું.