ટોરન્ટોથી અમદાવાદ આવનારા અભિમન્યુ વિરૂદ્ધ FIR નોંધાઈ

ગુજરાત મુખ્ય સમાચાર

વિશ્વભરમાં કાળ બનીને કેર વર્તાવી રહેલા કોરોના વાયરસે હવે ગુજરાતમાં પણ પગપેસારો કરી લીધો છે. કોરોનાના પ્રવેશ માટે મહદ્અંશે તંત્રનો લાપરવાહ અભિગમ પણ જવાબદાર છે.

શનિવારે પરોઢે ટોરન્ટોથી અમદાવાદ આવનારા અભિમન્યુએ સ્ક્રીનિંગની પોલ ઉઘાડી પાડતા ટ્વિટ કરી હતી કે, ‘હું આજે સવારે 3 વાગે ટોરન્ટોથી અમદાવાદ પરત ફર્યો છું. આ ટ્વીટ કરનાર અભિમન્યુ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

મારૂં થર્મલ કે કોઇપણ પ્રકારનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું નહોતું. મેં સેલ્ફ ડેક્લરેશન ફોર્મ ભર્યું અને તો મને માત્ર 14 દિવસ સેલ્ફ આઇસોલોટેડ રહેવાની સલાહ આપવામાં આવી હતી. ભારતમાં આ જ રીતે બેદરકારી દાખવવામાં આવશે તો આવનારા સમયમાં વધુ મુશ્કેલી આવશે. ‘

અમદાવાદ સહિતના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં વિદેશથી આવતા મુસાફરોના સ્ક્રીનિંગમાં જ પોલમ્પોલ હોવાની વાત સામે આવી છે. આ જ કારણ છે કે ગુજરાતમાં શનિવાર સાંજ સુધી કોરોનાના નોંધાયેલા 13માંથી 12 કેસમાં વિદેશથી આવેલા ભારતીયો હતા.

વિદેશથી જેટલા પણ મુસાફરો અમદાવાદ એરપોર્ટમાં આવ્યા તેમના સ્ક્રીનીંગ કરવામાં આરોગ્ય વિભાગ દ્વારા ધરાર બેદરકારી દાખવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

વિદેશથી આવનારા અન્ય કેટલાક મુસાફરો દ્વારા પણ સ્ક્રીનિંગમાં બેદરકારી અંગે આ જ પ્રકારની ફરિયાદ કરી હતી. તેમના દ્વારા આક્ષેપ કરાયો હતો કે કોઇ મુસાફર વિદેશથી આવે તો ખાલી ઔપચારિક્તા પૂરતું જ સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને આ જ બાબત આપણું સરકારી તંત્ર કોરોના માટે કેટલું ગંભીર છે તે દર્શાવે છે.

વિદેશથી આવનારા મુસાફરોમાં એ સમયે કોરોનાના લક્ષણ ના હોય તો તેને માત્ર બે સપ્તાહ માટે સેલ્ફ આઇસોલોટેડ રહેવાની સલાહ અપાય છે. પરંતુ એ મુસાફર ખરા આૃર્થમાં સેલ્ફ આઇસોલોટેડ કે હોમ ક્વોરેન્ટાઇન રહે છે કે કેમ તે જાણવાની તસ્દી સુદ્ધા લેવામાં આવતી નહીં હોવાનું પણ સામે આવ્યું છે.

વિદેશથી આવેલી અન્ય એક મુસાફર નેત્રીએ જણાવ્યું હતું કે, ‘હું આજે જ વિદેશથી અમદાવાદ આવી છું. આમ છતાં મારૂં ટેમ્પરેચર સ્કેન કરવાની તસ્દી સુદ્ધા લેવામાં આવી નથી. ‘ નાયબ મુખ્યમંત્રી-આરોગ્ય મંત્રી નીતિન પટેલે જ સ્વિકાર્યું છે કે ગુજરાતમાં નોંધાયેલા કોરોનાના 13માંથી 12 કેસમાં વિદેશથી આવનારા ભારતીયો હતા.

આ જ બાબત દર્શાવે છે કે કોરોનાના લક્ષણ ધરાવતા તે 12 મુસાફરોને એ જ વખતે ક્વોરેન્ટાઇન કરાયા હોત તો પરિસિૃથતિ ચિંતાજનક બનવાથી અટકી શકે તેમ હતી. સરકારી તંત્ર દ્વારા એરપોર્ટમાં હવે વોચ વધારવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જે ઘોડા છુટ્યા પછી તબેલાના તાળાની કહેવતને યથાર્થ ઠેરવે છે.

અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલમાં પણ બે દિવસથી મુસાફરોનું સ્ક્રીનિંગ શરૂ કરાયું છે. પરંતુ તેમાં પણ ધુપ્પલ જ હોવાનું સામે આવ્યું છે. જયપુરથી આવેલા એક મુસાફરે જણાવ્યું હતું કે, ‘હું શુક્રવારે જયપુરથી આવ્યો ત્યારે ચેકિંગ માટે કોઇ ટીમ જોવા મળી નહોતી. રાજસૃથાનમાં પણ કોરોનાના અનેક કેસ હોવા છતાં ત્યાંથી આવતી ફ્લાઇટમાં પણ ચેકિંગ નહીં કરાતા આશ્ચર્ય થયું હતું. ‘

અમદાવાદ એરપોર્ટમાં કુલ 36617 મુસાફરોનું સ્ક્રીનિંગ કરાયું

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે 21 માર્ચ સુધી 36617 મુસાફરોનું સ્ક્રીનિંગ કરાયું છે. હાલમાં 1506 વ્યક્તિ ‘હોમ ક્વોરેન્ટાઇન’ છે. અમદાવાદમાં શનિવાર સાંજ સુધી કોરોનાના કુલ 7 કેસ નોંધાઇ ચૂક્યા છે.