વૈશ્વિક મહામારી કોરોના વાયરસે ભારત સહિત સમગ્ર દુનિયાને પોતાની સકંજામાં સાંપડી લીધી છે. કોરોના વાયરસના વધતા જતા પગપેસારાને અટકાવવા માટે મોદી સરકારે ભારતમાં 21 દિવસના લોકડાઉનનો આદેશ આપ્યો હતો, જે 14 એપ્રિલ સુધી લાગુ રહેશે. અત્યારે દેશમાં ચારેય તરફ એક જ ચર્ચા થઈ રહી છે કે લોકડાઉન 14 એપ્રિલથી વધુ આગળ લંબાવાશે કે નહીં. આ અટકળો વચ્ચે એર ઈન્ડિયાએ પણ પોતાની તમામ નેશનલ અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું બૂકિંગ 30 એપ્રિલ સુધી બંધ કરી દીધું છે.
કોરોના વાયરસની મહામારીને વધતી અટકાવવા માટે દેશની તમામ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ટ્રેન, મેટ્રો, બસ સહિતના તમામ વાહનો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આ્યો હતો. શુક્રવારના રોજ એર ઈન્ડિયાએ આ અંગે સત્તાવાર જાણકારી આપીને કહ્યું હતું કે તેમની તમામ ફ્લાઈટ્સનું બૂકિંગ 30 એપ્રિલ પછી જ કરી શકાશે.
નોંધનીય છે કે અત્યારસુધીમાં ભારતમાં કોરોના વાયરસના 2590થી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 71 લોકો આ વાયરસના કારણે મોતને ભેટી ચૂક્યા છે. દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે. આ સાથે જ વિશ્વભરમાં જીવલેણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 10,56,770 સુધી પહોંચી ગઈ છે. જેમાં 55,780થી વધારે લોકોના મોત નિપજી ચૂક્યા છે. આ મહામારીની સૌથી વધારે અસર ઈટાલી પર થઈ છે જ્યાં અત્યાર સુધીમાં 13,914 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારબાદ બીજા નંબર પર સ્પેન છે જ્યાં મૃતકઆંક 10,934 સુધી પહોંચી ગયો છે.