એક બાજુ દરેક પ્લેયર પોતાના ઘરમાં પરિવારજનો સાથે સમય વિતાવી રહ્યા છે ત્યારે યુઝવેન્દ્ર ચહલ ઘરમાં રહીને કંટાળી ગયો છે અને તે મેદાનમાં જઈને બોલિંગ કરવા માગે છે. આ વાત જણાવતાં ચહલે કહ્યું કે ‘હું મારા ઘરમાંથી લૉકડાઉન થઈ જઈશ અને ઘરે પાછો ક્યારેય નહીં ફરું. બહુ થયું હવે. હું હવે વધારે રાહ જોઈ શકું એમ નથી. અત્યારે મળેલો આરામ આવતાં ત્રણ વર્ષ માટે પૂરતો છે. હું નજીકની હોટેલમાં રહેવા જતો રહીશ, પણ ઘરે નહીં રહું. આ લૉકડાઉનને વધારે સહન કરી શકવાની હવે મારામાં તાકાત નથી. હું ગ્રાઉન્ડમાં જઈ રહ્યો છું અને મને બોલિંગ કરવાની ઘણી ઇચ્છા થઈ રહી છે. જ્યારે સતત મૅચ રમતા હતા ત્યારે લાગતું હતું કે ઘણુંબધું રમી રહ્યા છીએ, પણ હવે એ ગેમને બહુ મિસ કરું છું. જ્યારે તમે ગ્રાઉન્ડ પર રહો છો ત્યારે ઘણું સારું લાગે છે. હું મારી બોલિંગને ઘણી મિસ કરું છું, કારણ કે હું જે છું એ ક્રિકેટને લીધે જ છું. લૉકડાઉન પૂરું થાય એટલે હું બોલિંગ કરવા મેદાનમાં જરૂર ઊતરીશ.’
