રાજ્યમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ કોરોનાને લઈને રાજકીય નિવેદનબાજી પણ શરૂ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા રાજ્યમાં ડૉક્ટરો, નર્સીંગ સ્ટાફ અને પોલીસ પર થયેલા હુમલાને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તેને લઈને રાજકીય હવે નિવેદનબાજી થઈ રહી છે. કોંગ્રેસ બાદ હવે NCP નેતા રેશમા પટેલ જીતુ વાઘાણીના નિવેદનને લઈને પ્રતિક્રિયા આપી હતી.
રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ કોરોના નામની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. સમગ્ર ભારત દેશના અને ગુજરાતના અમીરથી લઈને ગરીબ અને અધિકારીથી લઇને નેતા સુધીના તમામ લોકો પોતાનું યોગદાન આપીને આ મહામારી સામે ઝઝૂમી રહ્યા છે. આટલા દિવસોથી ખૂબ સંયમતાથી લોકોએ સાથ અને સહકાર આપ્યો છે તેમાં કોઈ શંકા નથી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ છે ખૂબ જ નિંદનીય અને દુ:ખદ છે. ખાસ કરીને મારે જીતુભાઈ વાઘાણીને કહેવાનું છે કે, આપે જે નિવેદનબાજી શરૂ કરી છે અને પર્ટિક્યુલર એક જ ધર્મવાદને હાઈલાઈટ કરવા માટે જે પણ કઇ વોટબેંકની રાજકીય ભાષાનો પ્રયોગ કરી રહ્યા છો, તે મહેરબાની કરીને ના કરો. કારણ કે, બધાને ખબર છે ત્યારે શાસક પક્ષ હોય કે, વિપક્ષોએ બધાએ આ વૈશ્વિક મહામારીમાં પોતાનું યથાયોગ્ય યોગદાન આપ્યું છે. કોઈને નીચા દેખાડવા માટે તમારી જે નિવેદન બાજી છે, તેનાથી જનતાનું અને લોકોનું મનોબળ તૂટી રહ્યું છે.
રેશ્મા પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, આવી નિવેદનબાજી કરીને એ લોકોના યોગદાન અને બલિદાન પર પાણી ન ફેરવશો. આપણને વિનંતી કરવાની છે કે, આ વૈશ્વિક મહામારી છે અને તેમાં ગુજરાતના દરેકે દરેક લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે. આપ દ્વારા જે નિવેદનબાજી થઇ રહી છે તે માત્રને માત્ર રાજકીય નિવેદનબાજી થઈ રહી છે.
રેશ્માએ કહ્યું હતું કે, તેની હું કડક શબ્દોમાં નિંદા કરું છું અને બે હાથ જોડીને વિનંતી કરું છું કે, રાજનીતિ ન કરો અને ધર્મવાદ ન ફેલાવો. દરેક લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે, દરેક લોકો નુકશાની ભોગવી રહ્યા છે, દરેક લોકો દેશ માટે અને પોતાના પરિવાર માટે અને આપણા ગુજરાત માટે યથા યોગ્ય મહેનત કરી રહ્યા છે એટલે એમના મનોબળ અને તોડવાની કોશિસ ન કરો એટલી મારે ભારતીય જનતા પાર્ટીની વિનંતી કરવી છે.

