વર્લ્ડ બેંક દ્વારા ભારતનાં અર્થતંત્ર પર અહેવાલમાં આર્થિકવૃદ્ધિ દરમાં ભારે ઘટાડો કર્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2020-21માં તુલનાત્મક આધાર પર ભારતની અર્થવ્યવસ્થાની આર્થિક વૃદ્ધિદર 1.5થી 2.8 ટકા જ રહી જશે.
નોંધનીય છે કે ભારતીય અર્થતંત્ર પહેલેથી મંદ ગતિમાં હતું એમાં પણ કોરોના વાયરસના કારણે પડતા પર પાટું જેવા હાલ થયા. કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવી પડી. આ જાહેરાતના કારણે દેશની ફેક્ટરી અને ઉદ્યોગ પર તાળા લાગી ગયા. આ સિવાય જાહેર પરિવહન બંધ થઇ જતા પણ મોટું નુકસાન ભોગવવું પડ્યું.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઘરેલું માંગ ઘટી જવાના કારણે વર્ષ 2020-21ની આર્થિક વૃદ્ધિદર ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થઇ છે. તથા આ બીમારી વિશ્વ સ્તર પર ફેલાઈ હોવાના કારણે રોકાણમાં પણ અડચણો આવશે.
પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન વર્લ્ડ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી હેન્સ ટીમરે કહ્યું કે ભારતનું પરિદ્રશ્ય સારું નથી. સાથે જ જો ભારત આ લોકડાઉન લંબાવે છે તો પરિણામ આ અનુમાન કરતા પણ વધારે ખાતરનાક હોઈ શકે છે.
તેમણે ભારતને સલાહ આપી કે જો આ બીમારી સામે જીતવું હોય તો પહેલાં આ બીમારીને ફેલાવતા અટકાવી પડશે અને બધાને ભોજન મળી શકે તે સુનિશ્ચિત કરવું પડશે. ટીમરે કહ્યું કે આ સિવાય ભારતે રોજગાર સંબંધી કાર્યક્રમ કરવા પડશે.

