વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય જીવન પર આધારીત ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ રિલીઝ થતાં પહેલા જ જોરદાર ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે, તેઓ નરેન્દ્ર મોદી ફિલ્મની રિલીઝને પડકારતી અરજી પર સુનાવણી કરવા માટે તૈયાર છે. સુપ્રીમ કોર્ટ આઠમી એપ્રિલે આ મામલે સુનાવણી કરશે. અગાઉ દિલ્હી અને મુંબઇ હાઇકોર્ટે ફિલ્મની રિલીઝ રોકવા માટે કરાયેલી અરજીને ફગાવી દીધી હતી.
આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ફિલ્મને જાણીજોઇએ ચૂંટણી સમયે રિલીઝ કરવામાં આવી રહી છે. જસ્ટિસ એસ એ બોબડેની બેંચ આઠમી એપ્રિલે આ મામલે સુનાવણી કરશે. આ અરજી કોંગ્રેસના પ્રવક્તા અને વકીલ અમન પનવરે દાખલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીને પ્રભાવિત કરવા માટે રિલીઝ કરાઇ રહી છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીએ આપણા બંધારણના મૂળ માળખાનો ભાગ છે.
કોર્ટે અરજીકર્તાને પ્રશ્ન કર્યો હતો કે તેઓ સીધા સુપ્રીમ કોર્ટમાં કેમ આવ્યા છે. પનવરના વકીલ એ એમ સિંઘવીએ જણાવ્યું હતું કે, દિલ્હી અને મુંબઇ હાઇકોર્ટે અરજીને રદ કરી દીધી હતી. તેથી તે કોર્ટમાં જવું વ્યર્થ છે જેણે પહેલા જ પોતાનું મંતવ્ય જણાવી દીધું હોય. આ ફિલ્મ અગાઉ પાંચમી એપ્રિલે રિલીઝ થવાની હતી ત્યારબાદ ફિલ્મની રિલીઝ પાછળ લઇ જવામાં આવી હતી. હવે પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ 12મી એપ્રિલે રિલીઝ થશે.