અમેરિકાની પેન સ્ટેટ યુનિવર્સિટીએ કરેલ એક અભ્યાસ મુજબ મોટા ભાગની મહિલા કર્મચારી પોતાના ઘરની તુલનામાં કામની જગ્યાએ વધારે ખુશ રહે છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે, કર્મચારીઓ ઓફિસને તણાવગ્રસ્ત જગ્યા માનતા હોય છે, પરંતુ મહિલા કર્મચારીઓ આ મામલે વિપરીત અભિગમ ધરાવે છે.
આ અભ્યાસ 122 જેટલા કર્મચારીઓ પર કરવામાં આવ્યો હતો. જેમાં એક અઠવાડિયા દરમિયાન તેમના કોર્ટિસોલ એટલે કે સ્ટ્રેસ લેવલની તપાસ કરવામાં આવી હતી. સાથે સાથે તેમને અલગ-અલગ સમય પર તેમના મૂડને રેટ કરવાનું જણાવાયું હતું. આ અભ્યાસ મુજબ જાણવા મળ્યું હતું કે, કર્મચારીઓ તેમના ઘરની તુલનામાં કાર્યસ્થળ પર વધારે ખુશ અને તણાવમુક્ત રહે છે.
આ વિષયે વધારે અભ્યાસ કરતા માલૂમ પડ્યું હતું કે, મહિલાઓ ઘરની તુલનામાં કાર્યસ્થળ પર વધારે ખુશ રહે છે, જ્યારે પુરૂષોની બાબતમાં આ વિપરીત રહ્યું હતું, તેઓ કાર્યસ્થળની તુલનામાં ઘરે વધારે ખુશ રહે છે.
અભ્યાસના પરિણામનું માનીએ તો, કામ પ્રત્યે સંતોષ આ માટે સૌથી વધારે જવાબદાર કારણ છે. જોવામાં આવ્યું છે કે, મહિલાઓને જે નોકરી પસંદ નથી હોતી, તેને સહેલાઇથી છોડી દે છે અને એવા કામની પસંદગી કરે છે, જેમાં તેમને ખુશી મળે. આ બાબતે પુરૂષો તેમના કામ કે નોકરી સાથે સંતુષ્ટ ન હોય તો પણ એ જ નોકરી સાથે જોડાયેલ રહે છે.