અમે પરમાણુ બોમ્બ દિવાળી માટે નથી રાખ્યા: PM મોદી

મુખ્ય સમાચાર રાજકીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર નિશાન તાકતા કહ્યું કે હવે ભારત અગાઉની જેમ પાડોશી દેશની પરમાણુ ધમકીથી ડરતો નથી. અમે પરમાણુ બોમ્બ કંઇ દિવાળીએ ફોડવા માટે રાખ્યા નથી. આની સાથે તેમણે આતંકવાદ સામેની લડાઇને મજબૂત બનાવવા માટે ભાજપને મત આપવાની અપીલ કરી હતી.

રાજસ્થાનના બાડમેરમાં ચૂંટણીલક્ષી જનસભાને સંબોધતાં પીએમ મોદીએ પાડોશી દેશને ચેતવણી આપતાં કહ્યું કે ભારતે પાકિસ્તાનની ધમકીથી ડરવાની નીતિ છોડી દીધી છે. અગાઉ પાકિસ્તાન નિયમિત અંતરે ધમકી આપતું હતું કે અમારી પાસે ન્યૂક્લીયર બટન છે. તો ભારત પાસે શું છે ભાઇ? આ પરમાણુ બોમ્બ અમે દિવાળી માટે રાખ્યો છે કે શું? મોદીએ કહ્યું કે અમે આતંકીઓને ઘરમાં ઘુસીને માર્યો છે. પરંતુ દુખાવો અહીં થયો છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ‘આજનો ભારત યુદ્ધ વગર પાકિસ્તાન સરહદની અંદર ઘુસીને આતંકીઓને ઠાર મારી રહ્યું છે. અમે આતંકીઓના મનમાં ડર પેદા કર્યો છે. શ્રીલંકામાં આજે જ આત્મઘાતી હુમલો થયો છે. પાકિસ્તાનને મળેલી છૂટને કારણે દેશમાં આતંકી હુમલા સામાન્ય વાત હતી. તમારા મતોને કારણે આ આતંકી હુમલા ઓછા થયા છે. અમે પાકિસ્તાનના જુસ્સાની હવા કાઢી નાખી છે. તેને વિશ્વમાં હાથમાં વાટકી લઇને ફરવા પર મજબૂર કરી દીધો છે. અમારી સરકાર દરમિયાન જ ભારત દુનિયાની એ તાકાતમાં સામેલ થયું હતું કે જેની પાસે જમીન, આકાશ અને દરિયા એમ ત્રણેય સ્થળે પરમાણુ હુમલો કરવાની ક્ષમતા છે. તાજેતરમાં તો અમે એક ઘણું મોટું કામ કર્યું છે, અંતરિક્ષમાં પણ અમારા સંશાધનોને બચાવવાની ક્ષમતા પણ અમે હાંસલ કરી છે.’

વડાપ્રધાન મોદીએ અગાઉની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ‘ કોંગ્રેના નામદાર કહે છે કે મોદીને સેનાના શૌર્યની વાત ન કરવી જોઇએ, તો શું હું અહીં ભજન કરવા આવ્યો છું? ૧૯૭૧ની લડાઇમાં અમારા સૈનિકોની બહાદુરીને કારણે પાકિસ્તાનનો એક મોટો હિસ્સો અમારી પાસે હતો. ૯૦ હજાર પાકિસ્તાની સૈનિક અમારી પાસે હતા, પરંતુ એ પછી શિમલામાં શું થયું હતું, સરકારે જવાનો જે જીતીને લાવ્યા હતા તે તમામ ગુમ કરી દીધું હતું. જમ્મુ-કાશ્મીરની સમસ્યાનો ઉકેલ લાવવાનો એ એક સુવર્ણ અવસર હતો. પરંતુ કોંગ્રેસે એ અવસરનો લાભ લઇ શકી નહતી.’