પુણેમાં ભારે વરસાદથી દિવાલ મજૂરોના મકાન ઉપર ધસી પડી, 17નાં મોત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પુણેમાં ભારે વરસાદને પગલે શુક્રવારે રાત્રે એક રહેણાક સોસાયટીની દિવાલ બાજુમાં જ આવેલા મજૂરોના કાચા મકાનો પર પડતા 17ના મોત થયા છે. કોંઢવા વિસ્તારમાં દિવાલ ધસી પડવાથી સંખ્યાબંધ લોકો ઘવાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. હાલ ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલુ છે.

પુણેના કોંઢવામાં તળાવ મસ્જિદ વિસ્તારમાં ગત મોડી રાતે ભારે વરસાદને પગલે આ દુર્ઘટના ઘટી હતી. એક રહેણાક સોસાયટીનું બાંધકામ ચાલી રહ્યું હતું જ્યાં બાજુમાં જ મજૂરોના કાચા મકાનો આવેલા હતા. સોસાયટીની પાર્કિંગ બાજુએ આવેલો દિવાલનો ભાગ મજૂરોના મકાનની તરફ ધસી પડ્યો હતો. જેને પગલે કાટમાળ નીચે દબાવાથી 17નાં મોત થયા હતા તેમજ અનેકને નાના-મોટી ઈજા પહોંચી હતી. ઘાયલોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે.

પુણેના જિલ્લા કલેક્ટર નવલ કિશોર રામે જણાવ્યું કે, ભારે વરસાદને પગલે આ દુર્ઘટના ઘટી છે તેમજ સોસાયટીના બાંધકામમાં કન્સ્ટ્રક્શન કંપનીની બેદરકારી પણ જોવા મળી છે. મૃતકોમાં પશ્ચિમ બંગાળ અને બિહારના મજૂરોનો સમાવેશ થાય છે. સરકાર પ્રભાવિતોને શક્ય મદદ કરશે.

ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે પાર્કિંગ બાજુની દિવાલ ધસી પડી હતી તેમજ ત્યાં પાર્ક કરાયેલી કેટલીક કાર પણ મજૂરોના કાચા મકાનો પર પડી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઝડપથી બચાવ કાર્ય શરૂ કરી દેવાયું હતું.

મુંબઈના ચેમ્બુરમાં પણ દિવાલ તૂટી પડી

મુંબઈમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા ઠેરઠેર પાણી ભરાયા છે. ગત રાત્રે મુંબઈના ચેમ્બુરમાં પણ દિવાલ ધસી પડવાનો બનાવ બન્યો હતો. ચેમ્બુરમાં રાત્રે બે વાગ્યે એક ઓટોરિક્ષા પર દિવાલ તૂટી પડી હતી. આ દુર્ઘટનાને પગલે દિવાલનો કાટમાળ ખસેડવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. જો કે આમાં કોઈ જાનહાની થઈ નથી.