ડાબા હાથના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે શાનદાર બોલિંગ કરતા માત્ર ૨૬ રન આપી પાંચ વિકેટ લઈને ન્યુઝીલેન્ડના ડાબા હાથના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટની હેટ્રિક પર પાણી ફેરવી દીધું અને ડીફેન્ડીંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ પોતાના શાનદાર પ્રદર્શનથી ન્યુઝીલેન્ડને ૮૬ રનથી હરાવી દીધું હતું. ન્યુઝીલેન્ડે ટ્રેન્ટ બોલ્ટની હેટ્રિક સહિત ૫૧ રન પર ચાર વિકેટથી બોલિંગના આધારે સેમીફાઈનલ માટે ક્વોલીફાઈ કરી ચુકેલી ઓસ્ટ્રેલિયાની ટીમને ૫૦ ઓવરમાં નવ વિકેટે ૨૪૩ રનના સ્કોર પર રોક્યું પરંતુ ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત નિરાશ કર્યા અને ન્યુઝીલેન્ડ ટીમ ૪૩.૪ ઓવરમાં માત્ર ૧૫૭ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.
ન્યુઝીલેન્ડે આ મેચમાં શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું પરંતુ તેમના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. કેપ્ટન કેન વિલિયમ્સને સર્વાધિક ૪૦ રન બનાવ્યા જયારે રોસ ટેલરે ૩૦ અને માર્ટિન ગુપ્તીલે ૨૦ રન બનાવ્યા હતા. ટીમનો ચોથો સર્વાધિક સ્કોર વધારાના ૧૭ રનનો રહ્યો જેમાં ૧૦ વાઈડ સામેલ હતા.
જેસન બેહરનડોર્ફ અને પેટ કમિન્સે ન્યુઝીલેન્ડના ટોપ ક્રમને વેરવિખેર કર્યું જયારે મિચેલ સ્ટાર્કે મધ્ય અને નીચલા ક્રમને વેરવિખેર કરી દીધું હતું. મિચેલ સ્ટાર્કે ૨૬ રનમાં પાંચ વિકેટ અને બેહરનડોર્ફએ ૩૧ રનમાં બે વિકેટ લીધી હતી. કમિન્સ, નથાન લિયોન અને સ્ટીવન સ્મિથે એક-એક વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાની ઇનિંગમાં ૭૨ બોલમાં ૭૧ રન બનાવનાર વિકેટકીપર એલેક્સ કૈરીને પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર મળ્યો છે. આ અગાઉ બોલ્ટે ઓસ્ટ્રેલિયાની ઇનિંગની અંતિમ ઓવરમાં ત્રીજી, ચોથી અને પાંચમી બોલ પર વિકેટ પોતાની હેટ્રિક પૂરી કરી અને વર્લ્ડ કપમાં હેટ્રિક લેનાર ન્યુઝીલેન્ડના પ્રથમ બોલર બની ગયા હતા. તે આ વર્લ્ડ કપમાં ભારતના મોહમ્મદ શામી બાદ હેટ્રિક લેનાર બીજા બોલર બની ગયા છે.

