મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સીએનજી સ્ટેશન સ્થાપવાની પક્રિયાને વેગ મળે તે હેતુથી બે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. તદ્દ અનુસાર, હાલ કાર્યરત પેટ્રોલ સ્ટેશનમાં અને નવા શરૂ થનારા CNG સ્ટેશન માટે લેવાની થતી ફાયર વિભાગની પરવાનગી તેમજ વજન-માપન અને સ્ટેમ્પિંગ સંબંધિત મંજૂરી ઓન લાઇન અરજી કર્યાના ૭ દિવસમાં જ આપી દેવાશે.
વિજયભાઇ રૂપાણીએ તાજેતરમાં જ CNG વાહન ધારકો-ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેવા ઉદાત હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.
સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં ૩૦૦થી વધારે નવા CNG સ્ટેશન ‘CNG સહભાગી યોજના’ અંતર્ગત રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ આ CNG સહભાગી યોજનાના અમલથી સ્વચ્છ-પર્યાવરણની સરકારની જે સંકલ્પબધ્ધતા દર્શાવી છે તે માટે અને CNG ઉપયોગને વેગ મળવા અંગે ગુજરાત CNG ડિલર એસોસીએશને ગાંધીનગરમાં વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળીને આભાર વ્યકત કર્યો હતો.
એસોશિએશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ નવીન CNG સ્ટેશનો શરૂ કરવા માટેની મંજૂરી પક્રિયાને ઝડપી બનાવવા માટેનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, CNG પંપની સ્થાપના પ્રક્રિયાને ઝડપી અને પારદર્શી બનાવવા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ સમગ્ર યોજનાની વધુ વિગતો www.cngsahbhaagi.com વેબસાઇટ પરથી પણ ઉપલબ્ધ છે.

