પંજાબ કોંગ્રેસમાં મંત્રી નવજોત સિંઘ સિધુ અને સીએમ અમરિન્દર સિંઘ વચ્ચે ચાલી રહેલા રાજકીય યુદ્ધમાં હવે ભાજપાએ પણ નવજોત સિંઘ પર ઘરબેઠા પગાર ખાવાનો આરોપ લગાવ્યો છે. કેબિનેટમાં વિભાગ બદલાયા પછી લગભગ એક મહિનાથી નવજોત સિંઘ સિધુએ ફાળવેલા ખાતાનો કાર્યભાળ સંભાળ્યો નથી, જે મામલે ભાજપાએ વાંધો ઉઠાવ્યો છે.
પંજાબ સરકાર અને નવજોત સિંઘ સિધુ પર રાજકીય પ્રહાર કરતા ભાજપાએ જણાવ્યું હતું કે, સિધુએ પદ ન સંભાળતા પંજાબમાં બંધારણીય સમસ્યા ઉભી થઇ છે. એક મહિનાથી પણ વધારે સમયથી સિધુએ તેમનું પદ સંભાળ્યું નથી અને પગાર-ભથ્થા ભોગવી રહ્યા છે. જો કે કોંગ્રેસ પણ નવજોત સિંઘને મનાવવાના પૂરતા પ્રયત્ન કરી રહી હોવાના સમાચાર છે.
ભાજપા રાષ્ટ્રીય સચિવ તરુણ ચુધે જણાવ્યું કે, નવજોત સિંઘનો મામલો ગંભીર છે. આ મામલે પંજાબના રાજ્યપાલને જાણ કરવામાં આવી છે. તેઓ એક મહિનાથી પણ વધારે સમયથી પદની અવગણના કરી રહ્યા છે, પરંતુ તેઓ પગાર-ભથ્થાનો આનંદ લઇ રહ્યા છે.
રાજ્યપાલને લખાયેલા પત્રમાં ભાજપાએ જણાવ્યું હતું કે, આ પહેલી વાર બન્યું છે કે, કોઇ મંત્રી સ્પષ્ટરીતે મુખ્યમંત્રીના આદેશનો અનાદર કરી રહ્યો છે. વિભાગ બદલાયા પછી સિધુ અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયા છે. તેઓ કાર્યભાળ સંભાળ્યા વગર જ સરકારી સુવિધાઓનો દુરઉપયોગ કરી રહ્યા છે. ભાજપાએ આ મામલે રાજ્યપાલની કાર્યવાહીની માંગ કરી છે.

