ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્યમાં બંનેની સરકાર રચવાની શકયતા ધુંધળી પડતા જ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ દાવ ખેલ્યો છે. મહારાષ્ટ્રમાં ધરમૂળથી બદલાતા સમીકરણો વચ્ચે શિવસેનાની એનસીપીના સમર્થનથી સરકાર બનાવવાના સંકેત મળી રહ્યાં છે. પરંતુ શિવસેનાને સમર્થન આપવાના બદલામાં એનસીપીએ આકરી શરત પણ મુકી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવસેના એનસીપીના સમર્થનથી સરકાર રચી શકે છે. તો કોંગ્રેસ પાર્ટી તેને બહારથી સમર્થન આપી શકે છે. એનસીપીના નેતા નવાબ મલિકે કહ્યું છે કે, જો રાજ્યપાલ શિવસેનાને સરકાર બવાનવાનું આમંત્રણ આપશે તો અમે આગામી પગલા વિશે વિચારી શકીએ છીએ. જોકે તેમણે કહ્યું છે કે અંતિમ નિર્ણય એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને કરશે.
સમર્થનના બદલામાં એનસીપીએ ખેલ્યો મોટો દાવ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ(એનસીપી) પણ સરકાર બનાવવા માટે શિવસેના સાથે આવવાના સંકેત આપ્યા છે. એનસીપીના મુંબઈ એકમના અધ્યક્ષ નવાબ મલિકે કહ્યું, જો શિવસેના અમારૂ સમર્થન મેળવવા માંગતી હોય તો તેને એનડીએ સાથેથી નાતો તોડવો પડશે. શિવસેનાએ ભાજપ સાથેના તમામ સંબંધો તોડવા પડશે. શિવસેનાએ અમારા સમર્થનના બદલામાં કેન્દ્રીય કેબિનેટમાંથી પોતાના તમામ મંત્રીઓના રાજીનામા આપવા પડશે.
મલિકે એમ પણ કહ્યું હતું કે, શિવસેના ગૃહમાં ભાજપના વિરુદ્ધ વોટ કરે તો અમે તેને સમર્થન આપવા અંગે વિચારીશું. તેવી જ રીતે જો ભાજપ સરકાર બનાવવાનો દાવો રજુ કરે તો ગૃહમાં ફ્લોર ટેસ્ટિંગ વખતે NCP તેમના વિરુદ્ધ વોટ કરશે. અમે જોઈશું કે શિવસેના પણ સરકાર પાડવા માટે ભાજપ વિરુદ્ધ વોટ કરે છે કે નહીં. ત્યારબાદ અમે શિવસેનાના નેતૃત્વમાં વૈકલ્પિક સરકારના સમર્થન વિશે વિચારીશું.

