ગીર સોમનાથ જિલ્લાના તલાલાના ધારાસભ્ય ભગવાન બારડને ખનીજચોરીના ૨૮ વર્ષ જૂના કેસમાં સુત્રાપાડા કોર્ટે બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારી હતી જેના પગલે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કર્યા છે.આમ લોકસભાની ચૂંટણીની પહેલાં કોંગ્રેસને વધુ એક ઝાટકો લાગ્યો છે. વર્ષ ૧૯૯૫માં ગૌચરની જમીનમાંથી ખનિજ ચોરીના મુદ્દે ભગવાન બારડ વિરુધ્ધ કેસ થયો હતો. સુત્રાપાડામાં ગૌચરની જમીનમાંથી રૃા.૨.૮૩ કરોડની ખનિજ ચોરી કરવામાં આવી હતી. ઘણા લાંબા સમયથી સ્થાનિક કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો.આખરે સુત્રાપાડા કોર્ટે ૨૮ વર્ષ બાદ ખનિજ ચોરી માટે કસૂરવાર ઠેરવી ધારાસભ્ય ભગવાન બારડને બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારી હતી. આ ઉપરાંત રૃા.૨૫૦૦નો દંડ પણ ફટકાર્યો હતો આ ઘટના બાદ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુંક,રાજ્યના કાયદા વિભાગ દ્વારા ગત બીજી માર્ચે આવેલા ચુકાદાને લઇને જાણ કરવામાં આવી હતી. કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને વિધાનસભાએ સત્તા અને જોગવાઇ મુજબ બે વર્ષથી વધુ સજા થાય તો વિધાનસભાના સભ્ય રહી શકે નહીં.આ અંગે ચૂંટણી કમિશનને ય જાણ કરી દેવામાં આવી છે. તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.સસ્પેન્ડ કરવામાં આવતા ભગવાન બારડ પેટાચૂંટણી પણ લડી શકશે નહીં. ધારાસભ્ય ભગવાન બારડે જણાવ્યુંકે,હું કાનૂની સલાહ લઇ આગળની કાર્યવાહી કરીશ.આ મુદ્દે સત્તાનો દૂરપયોગ કરી ભેદભાવ રખાયો છે. વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એવી પ્રતિક્રિયા આપી હતીકે, કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઇ બારડને કોર્ટે જામીન આપ્યા છે.કોર્ટે પણ ઉપલી કોર્ટમાં અરજી કરવાનો સમય આપ્યો છે.ભાજપે સત્તાનો દુરપયોગ કર્યો છે.ભાજપની બોખલાહટ ખુલ્લી પડી છે. આમ,લોકસભાની ચૂંટણી વખતે જ કોંગ્રેસને વધુ એક ધારાસભ્ય ગુમાવવો પડયો છે અને કોંગ્રેસની એક બેઠક ઓછી થઇ છે.

