ચિદમ્બરમનો 74મો જન્મદિવસ તિહાડમાં પસાર થશે, ઘરનું ભોજન નહિ મળે, કોર્ટે કહ્યું- પક્ષપાત નહિ કરીએ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

INX મીડિયા મામલામાં ઘેરાયેલા પી.ચિદમ્બરને દિલ્હી હાઇકોર્ટે તેમને ઘરનું ખાવાનું જેલમાં આપવાની પરવાનગી નથી આપી. તેમણે કહ્યું કે જેલમાં દરેક વ્યક્તિને એક સમાન ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોઇ સાથે પક્ષપાત નહિ કરવામાં આવે. કોર્ટમાં ચિદમ્બરમની નિયમિત જામીન અરજીની સુનવણી દરમિયાન કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. કોર્ટે સીબીઆઇને જામીન અરજી પર એક અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ તૈયાર કરવા કહ્યંુ છે. આવામાં ચિદમ્બરમને તેમનો 74મો જન્મદિવસ જેલમાં જ મનાવવો પડશે. ચિદમ્બરમનો જન્મદિવસ 16 સપ્ટેમ્બરના છે.

ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં અનુરોધ કર્યો હતો કે જેલમાં તેમને ઘરનું ભોજન આપવાની પરવાનગી મળવી જોઇએ. કપિલે કોર્ટને કહ્યું કે મી લોર્ડ તેઓ 74 વર્ષના છે. તેના જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જવાબ આપ્યો- હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલા પણ વૃદ્ધ છે અને તેઓ પણ જેલમાં છે. એક સંસ્થા હોવાના લીધે આપણે કોઇ સાથે ભેદભાવ ન કરી શકીએ.

ચિદમ્બરમ ખોટા કામોમાં સામેલ રહ્યા છે- તુષાર મહેતા

સુનવણી દરમિયાન કપિલ સિબ્બલે તર્ક આપ્યો કે તેમના અસીલ વિરુદ્ધ ગુનાની સજામાં માત્ર સાત વર્ષની કેદ છે. તેમણે આગળ કહ્યું કે ભારતીય દંટ સંહિતાની કલમ 420ના આરોપ પણ લગાવી નથી શકાતા કારણ કે તેમાં તેમની કોઇ ભૂમિકા નથી. તેના જવાબમાં તુષાર મહેતાએ કહ્યું- અમે પ્રી-ચાર્જશીટના તબક્કામાં પહોંચી ગયા છીએ. અરજદારની 21 ઓગસ્ટના ધરપકડ થઇ છે અને આ અપરાધ 2007માં થયો છે. ચિદમ્બરમ ખોટા કામોમાં સામેલ રહ્યા છે.

ચિદમ્બરમના આત્મસમર્પણની અરજી પર કાલે ચૂકાદો આવશે

કોર્ટે બન્ને પક્ષોની દલીલોના નિશ્કર્ષ બાદ પી.ચિદમ્બરમની આત્મસમર્પણની અરજી પર આદેશ સુરક્ષિત રાખ્યો છે જે શુક્રવારે જાહેર કરવામાં આવશે. ચિદમ્બરમ પર આરોપ છે કે તેમણે નાણામંત્રી તરીકે લાંચ લઇને INX મીડિયાને 2007માં 305 કરોડ રૂપિયા લેવા માટે વિદેશી રોકાણ પ્રોત્સાહન બોર્ડથી મંજૂરી અપાવી હતી. ઈડી પણ મની લોન્ડ્રિંગ મામલામાં તેમની પૂછપરછ કરી રહી છે.