રાજ્યસભામાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ મંગળવારે જમ્મુ પહોંચ્યા હતા. સુરક્ષાદળોએ તેમને ત્યાં જ અટકાવીને દિલ્હી પરત મોકલી દીધા હતા. આ પહેલા પણ આઝાદે એક વખત ઘાટીમાં જઈને નેતાઓ સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષાદળોએ તેમને દિલ્હીથી જ પરત ફરવા માટે મજબૂર કરી દીધા હતા.
5 ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવી દીધો હતો. ત્યારબાદથી જ ઘાટીની પરિસ્થિતી તણાવપૂર્ણ છે. જો કે, અધિકારીઓના કહ્યાં પ્રમાણે પરિસ્થિતીને ટૂંક સમયમાં સામાન્ય કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.
તૃણમૂલ અને ડાબેરી નેતાઓને પણ પરત મોકલ્યા હતાઃ તૃણમૂલ નેતા ડેરેક ઓ બ્રાયન અને માર્ક્સવાદી કમ્યૂનિસ્ટ પાર્ટી(માકપા)ના મહાસચિવ સીતારામ યેચુરી પણ ઘાટીમાં નેતાઓ સાથે મુલાકાત કરવા માટે ગયા હતા. આ નેતાઓને શ્રીનગર એરપોર્ટ પરથી જ પરત મોકલી દેવાયા હતા. યેચુરી રાજ્યના નેતાઓ સાથે મુલાકાત કરવા માટે ગયા હતા. તેમની સાથે માકપા નેતા ડી રાજાને પણ દિલ્હી પરત મોકલવામાં આવ્યા હતા.
શાહ ફૈસલને પણ શ્રીનગર પરત મોકલવામાં આવ્યા હતાઃ ભારતીય પ્રશાસનિક સેવા (IAS)ના 2011ના ટોપર અને જમ્મુ કાશ્મીર પીપુલ્સ મૂવમેન્ટના સંસ્થાપક શાહ ફૈસલની 14 ઓગસ્ટે દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ તુર્કીની રાજધાની ઈસ્તંબુલ જવાની ફિરાકમાં હતા. ફૈસલની પ્બલિક સેફ્ટી એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે શ્રીનગર લઈ જઈને નજરકેદ કરવામાં આવ્યા હતા.

