રેલવે દ્વારા દિલ્હી-લખનૌ અને અમદાવાદ-મુંબઈ તેજસ ટ્રેનનું સંચાલન ઇન્ડિયન રેલવે ટૂરિઝમ એન્ડ કેટરિંગ સર્વિસ(આઇઆરસીટીસી)ને સોંપાશે. સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે અમુક ટ્રેનને ખાનગી કંપનીઓ દ્વારા સંચાલન આપવાની યોજના પહેલા પરિક્ષણના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ટ્રેનોમાં રેલવે તેમના ડ્રાઇવર અને ગાર્ડ આપશે
સૂત્રો પ્રમાણે આઇઆરસીટીસીને આ ટ્રેનોમાં ભાડુ નક્કી કરવાની પરવાનગી પણ આપવામાં આવી છે. પાયલટ પ્રોજેક્ટના ભાગરૂપે રેલવેએ આ નિર્ણય લીધો છે. આઇઆરસીટીસીને ત્રણ વર્ષ માટે આ ટ્રેનોનું સંચાલન સોંપવામાં આવ્યું છે. આ દરમિયાન કોઇ પણ પ્રકારની છૂટછાટ, સુવિધાઓ અથવા ડ્યટી પાસ આપવામાં નહિ આવે. આ ટ્રેનોમાં ટિકિટ ચેકીંગ પણ રેલવે સ્ટાફ દ્વારા કરવામાં નહિ આવે. જોકે રેલવે આ ટ્રેનોને વિશેષ નંબર તેમજ ડ્રાઇવર, ગાર્ડ અને સ્ટેશન માસ્ટર ઉપલબ્ધ કરાવશે. આ ટ્રેનોની સેવાઓ શતાબ્દી ટ્રેનની જેમ રહેશે અને તે પ્રકારેજ પ્રાથમિકતા આપવામાં આવશે.
આઇઆરસીટીસીને પોતાની ટિકિટ વ્યવસ્થા બનાવવાના નિર્દેશ
રેલવેએ મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ આપવા માટે ટ્રેન સંચાલન ખાનગી હાથોમાં સોંપવાનો નિર્ણય તેના 100 દિવસના પ્લાનમાં સામેલ કર્યો છે. તેજસ ટ્રેનોને આઇઆરસીટીસીને સોંપવી આ દિશામાં પહેલું પગલું છે. આઇઆરસીટીસીની ટ્રેનની અંદર-બહાર જાહેરખબર, તેમની બ્રાન્ડિંગ અને બદલાવનો પણ અધિકાર હશે. જોકે આ દરમિયાન તેને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષાનું ધ્યાન રાખવું પડશે. ટિકિટ માટે આઇઆરસીટીસીને એક વર્ષ માટે રેલવેના વેબ પોર્ટલના ઉપયોગનો અધિકાર રહેશે. આ બન્ને ટ્રેનનો નફો અલગથી દાખલ કરવામાં આવશે. તે સાથે આઇઆરસીટીસીને પોતાની ટિકિટની સિસ્ટમ બનાવવી પડશે.
દુર્ઘટના થવા પર મુસાફરો રેલવેના નિયમો અંતર્ગત દાવો કરી શકશે
આ ટ્રેનોમાં 18 કોચ હશે. જોકે આઇઆરસીટીસીને ઓછામાં ઓછા 12 કોચ સાથે ટ્રેન સંચાલનની પરવાનગી આપવામા આવી છે. ટ્રાન્સપોર્ટેશનનું ભાડુ દરેક ટ્રિપ સાથે ચાર્જ કરવામાં આવશે. આઇઆરસીટીસીને ટ્રેનો માટે ડિપોઝીટ પણ આપવી પડશે. રેલવે દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઇ દુર્ઘટનાની સ્થિતિમાં આ ટ્રેનના મુસાફરોને રેલવેના મુસાફરોની જેમ જ ઈલાજની સુવિધા આપવામાં આવશે. તેમને એવી રીતેજ દુર્ઘટના સંબંધિત દાવો કરવાનો અધિકાર રહેશે જેવી રીતે રેલવેમાં કરવામાં આવે છે. દુર્ઘટનાની સ્થિતિમાં રેલવે સુવિધાઓ અને વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવશે. ટ્રેનમાં મેન્ટેનન્સની સુવિધા પણ રેલવે દ્વારા આપવામાં આવશે.

