ફ્રાંસના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ફ્રૂટ જ્યૂસ અથવા તો ફિઝ્ઝી પોપ જેવાં મીઠાં શુગર ધરાવતાં પીણાંથી કૅન્સરનું જોખમ વધી શકે છે.
આ વાત બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક શોધ પ્રમાણે કહેવામાં આવી છે. આ શોધ માટે પાંચ વર્ષ સુધી એક લાખ લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
યુનિવર્સિટી સરબોર્ન પેરિસ સિટેની ટીમનું માનવું છે કે તેનું કારણ બ્લડ શુગર લેવલ હોઈ શકે છે.
જોકે, આ શોધને સાબિત કરવા માટે હજુ ઘણા પુરાવાની જરૂર છે અને વિશેષજ્ઞોને પણ આ મામલે વધારે શોધ માટે કહેવામાં આવ્યું છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે પાંચ ટકા કરતાં વધારે ખાંડ જે પીણામાં હોય છે તેને મીઠાં પીણાં અથવા તો શુગરી ડ્રિંક્સ કહી શકાય છે.
તેમાં ફ્રૂટ જ્યૂસ (ખાંડ ભેળવ્યા વગરના પણ), સૉફ્ટ ડ્રિંક્સ, મીઠાં મિલ્કશેક, ઍનર્જી ડ્રિંક્સ, ખાંડવાળી ચા કે કૉફી પણ સામેલ છે.
વિશેષજ્ઞોની ટીમે આર્ટિફિશિયલ શુગર ધરાવતી ઝીરો કૅલરી ડાયટ ડ્રિંક્સનું અધ્યયન કર્યું, પરંતુ કૅન્સર સાથે જોડાયેલા કોઈ પુરાવા મળ્યા નથી.