કર્ણાટકના રાજકીય સંકટમાં એક નવો જ વળાંક આવ્યો છે. કોંગ્રેસ-જેડીએસના 15 બળવાખોર ધારાસભ્યોના રાજીનામા અંગે નિર્ણય લેવાની અપીલ પર બુધવારે સુપ્રીમ કોર્ટે મહત્વના આદેશો આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે વિધાનસભા સ્પીકર કે આર રમેશ પોતાની અનુકુળતા મુજબ ધારાસભ્યોના રાજીનામા પર વિચારણા કરી શકે છે. આ માટે તેમના પર સમય મર્યાદા લાગુ થવી જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટે સ્પીકરને જણાવ્યું કે ધારાસભ્યોના રાજીનામા પર જે નિર્ણય લેવાય તેની જાણ સર્વોચ્ચ ન્યાયાલયને કરવામાં આવે.
દરમિયાન સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું કે, રાજીનામું આપનાર ધારાસભ્યોને વિધાનસભામાં વિશ્વાસના મત માટે હાજર રહેવા ફરજ પાડી શકાય નહીં. આ મામલે હવે કુમારસ્વામી સરકારના શક્તિ પરીક્ષણ સામે સસ્પેન્સ વધુ ઘેરું બન્યું છે.
કોર્ટે આદેશ આપતા જણાવ્યું કે વિધાનસભાના સ્પીકરની રૂએ તેઓ પોતાની વિવેકબુદ્ધિ મુજબ રાજીનામા પર નિર્ણય લઈ શકે છે અને તેમને કોર્ટના નિર્દેશો કે નિરીક્ષણની જરૂર નથી.
મંગળવારે દિવસ દરમિયાન હાઇવોલ્ટેજ દલીલો થઇ હતી. મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ કહ્યું હતું કે બળવાખોર ધારાસભ્યો એક થઇને તેમની સરકારને પાડી દેવા માગે છે. બીજી બાજુ બળવાખોરોએ આક્ષેપ કર્યો છે કે સ્પીકર કે આર રમેશ કુમાર બહુમતિ ગુમાવી ચુકેલી કુમારસ્વામી સરકારને બચાવવા માગે છે. દરમિયાન કોંગ્રેસે તેના ધારાસભ્યોને એક હોટેલમાંથી બીજી જગ્યાએ શિફ્ટ કર્યા હતા.
સ્પીકરે કહ્યું છે કે એક બંધારણીય સત્તા હોવાથી તેમને ધારાસભ્યોના રાજીનામા અંગે નિર્દેશ આપી શકાય નહિ. ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજીઓ અંગે પણ નક્કી કરવાનું બાકી છે. મુખ્યમંત્રી કુમારસ્વામી ગુરુવારે વિશ્વાસના મતનો સામનો કરશે.

