સંયુક્ત રાષ્ટ્ર દ્વારા હાલમાં એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે આતંકી સંગઠન અલકાયદા નબળું નથી પડયું પરંતુ પાકિસ્તાની આતંકી જુથ લશ્કર-એ-તૈયબા અને હક્કાની નેટવર્કના ગાઢ સહયોગમાં છે. આ રિપોર્ટ પ્રમાણે અલકાયદાના નેતા અયમન મહોમ્મદ અલ જવાહરિના સ્વાસ્થ્ય અને સંગઠનની કામ કરવાની પદ્ધતિને લઇને હજુ પણ શંકા યથાવત જ છે.
એનાલિટીક સપોર્ટ એન્ડ સેંક્શન મોનિટરીંગ ટિમે તેમના 24મા રિપોર્ટમાં આ ખુલાસો કર્યો છે. આ ટિમે સંયુક્ત રાષ્ટ્રની સિક્યુરિટી કમિટીની અલકાયદા પ્રતિબંધ સમિતિને આ રિપોર્ટ સોંપ્યો છે. આ ટિમ દર છ મહિને ઇસ્લામિક સ્ટેટ, અલકાયદા અને તેની સાથે જોડાયેલા લોકો અને સંગઠનો અંગેનો રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્રમાં સોંપે છે.
આ રિપોર્ટમાં જણાવવવામાં આવ્યું છે કે અલકાયદાના નેતા અલ જવાહરીની તબિયત ખરાબ હાવા છતાં અલકાયદા સક્રિય છે. સંગઠનનો આગામી નેતા કોણ હશે તે અંગે શંકાનો માહોલ છે. અલકાયદા અફઘાનિસ્તાનને પોતાના નેતૃત્વ માટે સુરક્ષિત જગ્યા માને છે. આ કારણોસર જ તે તાલિબાન સાથે મજબૂત સંબંધો ટકાવી રાખે છે.
અલકાયદા તાલિબાન સાથે મળીને બદખ્શાં વિસ્તાર, તજાકિસ્તાનના શિગનાન અને પકતિકાના બારમલ વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવાના પ્રયત્નોમાં લાગેલું છે. રિપોર્ટમાં અલકાયદા અને તાલિબાન વચ્ચેના સંબંધનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અલકાયદાના સભ્યો નિયમિત રીતે તાલિબાન સંગઠન માટે ધાર્મિક અને સૈન્યના ધોરણે કામ કરી રહ્યાં છે.
આ રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વૈશ્વિક સુરક્ષા માટે ખતરો બનેલા આઇએસઆઇએસની સ્થિતિ બધી જ રીતે અલકાયદાની સરખામણીમાં વધારે સારી છે. ફંડિંગ, ભંડોળ, મિડીયા પ્રોફાઇલ વગેરે બધી જ રીતે આઇએસઆઇએસ અલકાયદા કરતાં પાવરફુલ છે.
શ્રીલંકામાં ઇસ્ટરના તહેવાર પર થયેલા આતંકી હુમલાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં 258 લોકો મૃત્યુ પામ્યા હતાં અને જવાબદારી આઇએસઆઇએસે લીધા હતી. રિપોર્ટ પ્રમાણે દક્ષિણ એશિયામાં વધી રહેલી આતંકી ગતિવિધીઓ ચિંતાજનક છે. આફ્રિકામાં પણ આતંકી પ્રવૃતિમાં વધારો નોંધાયો છે, જ્યાં અલકાયદા અને આઇએસઆઇએસ બંને સક્રિય છે.