કાશ્મીર મામલે પાકિસ્તાન હવે શું કરી શકે તેમ છે?

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

હાલ એવી સ્થિતિ છે કે કોઈ પણ બાબતે અંદાજ લગાવવો મુશ્કેલ છે કે આગળ શું થશે.

5 ઑગસ્ટના રોજ કાશ્મીરના ખાસ રાજ્યના દરજ્જાને ખતમ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે મુસ્લિમ બહુમતી ધરાવતા ભારત પ્રશાસિત કાશ્મીરને સમવાયી સરકારના તાબામાં લઈ લીધું.

આ સાથે જ વિશ્વના સૌથી જૂના અને લાંબા ચાલેલા વિવાદને વાટાઘાટો સુધી પહોંચાડી દીધો છે.

ભારતના જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત સરકારોમાં વહેંચી દેવાના એકતરફી નિર્ણયની જાહેરાતે સાબિત કરી દીધું કે કાશ્મીર એ દિલ્હીનો અંગત મુદ્દો છે.

આ નિર્ણયે ભારતના પરિપ્રેક્ષ્‍યમાં દરેક બાબતો બદલી નાંખી છે.

આ નિર્ણયની આકરી ટીકા કરનાર પાકિસ્તાન માટે કાશ્મીર હજુ પણ એક સંવેદનશીલ મુદ્દો છે, જે હંમેશાં દેશના ઇતિહાસ, રાજકારણ, કૂટનીતિ અને ઓળખ સાથે સંકળાયેલો રહ્યો છે.

બ્રિટિશ રાજમાંથી 1947માં આઝાદી મળી ત્યારથી ભારત અને પાકિસ્તાન બંને દેશો કાશ્મીર મુદ્દે બે યુદ્ધ લડી ચૂક્યાં છે.

બંને દેશો આ વિસ્તાર પર પોતાનો હોવાનો દાવો કરે છે, અને બંને પોતાની સીમામાં તેનો એક-એક હિસ્સો ધરાવે છે.

દાયકાઓથી ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એવું કહેતા આવ્યા છે કે કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 એ રાજ્યને દેશનાં અન્ય રાજ્યો સાથે સાયુજ્ય મેળવવાથી વંચિત રાખ્યું છે.

આ જોગવાહી રદ કરવાનું ભાજપનું ઘણું જૂનું વચન હતું. તેથી 2019ની લોકસભા ચૂંટણીમાં વિક્રમી જીત મેળવ્યા બાદ ચૂંટણી જાહેરનામામાં આપેલું વચન પાળવું જરૂરી હતું.

જ્યારે ભાજપ સરકારે રાષ્ટ્રપતિના આદેશ સાથે ભારત પ્રશાસિત કાશ્મીરના ખાસ રાજ્યના દરજ્જાને રદ કર્યો ત્યારે મોટા ભાગના ભારતીયોની જેમ પાકિસ્તાન પણ ઊંઘતું ઝડપાયું.

સ્થાનિક અખબારો મુજબ પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે ભારતનો નિર્ણય બિલકુલ આશ્ચર્યજનક હતો.

પાકિસ્તાનની જાણીતી ચેનલ જીઓ ટીવીને કુરેશીએ કહ્યું, “અમને થોડો અંદાજ હતો કે ભારત આવું પગલું લઈ શકે છે અને આવી કોઈ પણ સ્થિતિ માટે અમારે તૈયાર રહેવું જોઈએ પણ અમને એ નહોતી ખબર કે આ રીતે 24 કલાકમાં આ નિર્ણય લેવાઈ જશે.”

ટીકાકારો કહે છે કે છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ભારત પ્રશાસિત કાશ્મીરમાં જે સ્થિતિ હતી તેનાથી આ પ્રકારના સંકેત મળતા જ હતા, તેથી કોઈ આશ્ચર્ય થવું જોઈએ નહીં.

પાકિસ્તાનના વિપક્ષોએ પણ પાકિસ્તાનના અસંતોષભર્યા પ્રતિસાદ અને વિદેશીનીતિની સજ્જતાની ટીકા કરી હતી.

ભારતની આ જાહેરાત પહેલાં પાકિસ્તાન અસંમતિ અને પોતાના દેશની આર્થિક તકલીફો જેવી સમસ્યાઓ પર ધ્યાન આપવામાં વ્યસ્ત હતું.

સરકાર દ્વારા વિરોધપક્ષ વિરુદ્ધ તપાસના આદેશો, માધ્યમોની મધ્યસ્થી અને તેને સરકાર દ્વારા નકારવા જેવા અહેવાલો માધ્યમોમાં પ્રકાશિત થઈ રહ્યા હતા.

ગુરુવારે પાકિસ્તાનના સ્થાનિક અખબારમાં પ્રકાશિત અહેવાલ મુજબ “ભાજપના વરિષ્ઠ નેતાઓમાં શેની ચર્ચા થઈ રહી છે અને ભારત પ્રશાસિત કાશ્મીરમાં શું સ્થિતિ છે તે જાણવાનો તેમની પાસે બહુ ઓછો સમય હતો.”

એક તંત્રીલેખમાં છપાયા અનુસાર, “ચૂંટણી પછી ભારત તરફથી મળી રહેલા સંકેતોને સમજવામાં પીટીઆઈ(પાકિસ્તાન તેહરીક-ઈ-ઇન્સાફ અને તેમનાં સહયોગી દળો નિષ્ફળ રહ્યાં. તેઓ આ જાહેરાત માટે બિલકુલ તૈયાર નહોતાં.”

હવે આગળ શું થશે?

જ્યારે પણ આ ઐતિહાસિક દુશ્મનો ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધે છે તે દરેક વખતે ચર્ચાઓ એક જ પ્રશ્ન પર આવીને અટકે છે કે શું ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ થશે?

જોકે, જવાબ સામાન્ય રીતે ના જ હોય છે. કમ સે કમ કાયદેસરનું યુદ્ધ તો નહીં જ.

કારણ કે એક પણ પક્ષ યુદ્ધના પરિણામે આવનારી આર્થિક સ્થિતિનો સામનો કરવા સક્ષમ નથી.

સીમાપારના સંઘર્ષની ઘટનાઓમાં વધારો થઈ શકે છે, મિલિટરી ઑપરેશન્સ થઈ શકે અથવા નાનાં-મોટાં ઘર્ષણ થઈ શકે છે.

કેટલાક લોકો એવું પણ કહે છે કે પાકિસ્તાન હાલ અમેરિકા અને અફઘાની તાલીબાની જૂથો વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણામાંથી પોતાની મધ્યસ્થી પાછી ખેંચી શક્યું હોત.

ધ ડેઇલી ટાઇમ્સના એક નિવેદન મુજબ,”યુએનના કાશ્મીર અંગેના ઠરાવો અંગે યુએસ અને નાટો જ્યાં સુધી ભારત પર દબાણ ન લાવે ત્યાં સુધી પાકિસ્તાને અમેરિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની શાંતિ મંત્રણાઓમાં સહકાર આપવાનું અટકાવી દેવું જોઈએ.”

તેમાં આગળ કહેવાયું, “જો ચીન ઇચ્છતું હોય કે ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડોરનું કામ કોઈ વિઘ્ન વિના ચાલતું રહે તો ચીને પાકિસ્તાન સાથે ખભે ખભો મિલાવીને ચાલવું જોઈએ.”

“જ્યાં સુધી કાશ્મીર મુદ્દાનું સમાધાન ન થાય ત્યા સુધી અફઘાનિસ્તાન-ભારતનો વેપાર માર્ગ પાકિસ્તાને બંધ કરી દેવો જોઈએ અને ભારત માટે પોતાની હવાઈસીમા બંધ કરી દેવી જોઈએ.”

એ જેટલું કહેવું સહેલું છે તેટલું કરવું સહેલું નથી. કારણ કે યુએસ અને ચીન જેવી મહાસત્તાઓનાં સ્વહિતો પાસે પાકિસ્તાનનાં હિતો ઘણાં નાનાં છે.

જ્યારે પાકિસ્તાનના જાણીતા સ્થાનિક અખબાર ધ એક્સ્પ્રેસ ટ્રિબ્યૂને નોંધ્યું, “ભારત સાથે વ્યવહાર કરવા માટે પાકિસ્તાન પાસે બહુ ઓછા વિકલ્પો બચ્યા છે…તે વધુમાં વધુ એટલું જ કરી શકે કે રાજદ્વારી પ્રયત્નો દ્વારા વૈશ્વિક મત પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે.”