અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા 9 ઓગસ્ટથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે શહેરમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરના સાબરમતી, ચાંદખેડા, ગોતા, મોટેરા, રાણીપ, થલતેજ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. એસજી હાઈવે પર વરસાદને લઈ ટ્રાફિક જામ સર્જાયો છે અને અનેક નીચાણવાળા વિસ્તાર અને સોસાયટીમાં પાણી ભરાયા છે
કયા ઝોનમાં કેટલો વરસાદ
શહેરમાં 8 જૂલાઈના સાંજના 4 વાગ્યાથી 9 જૂલાઈના સાંજના ચાર વાગ્યા દરમિયાન સરેરાશ 33 મિ.મિ. એટલે કે લગભગ દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેમાં પૂર્વ ઝોનમાં 33 મિ.મિ., પશ્ચિમ ઝોનમાં 26 મિ.મિ., ઉત્તર પશ્ચિમ ઝોનમાં 30 મિ.મિ., દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 47.50 મિ.મિ., મધ્ય ઝોનમાં 28 મિ.મિ., ઉત્તર ઝોનમાં 32 મિ.મિ. અને દક્ષિણ ઝોનમાં 37 મિ.મિ. વરસાદ પડ્યો છે.
સૌથી વધુ સરખેજમાં વરસાદ
આજે સવારના 8થી 12 વાગ્યા દરમિયાન સરખેજમાં 35 મિ.મિ., બોડકદેવમાં 20 મિ.મિ., મણિનગરમાં 15 મિ.મિ. ગોતામાં 15 મિ.મિ., વટવામાં 15 મિ.મિ. અને ઓઢવમાં 15 મિ.મિ. વરસાદ પડ્યો છે. આ સિવાયના વિસ્તારોમાં 8થી 12 મિ.મિ. જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે વાસણા બેરેજનું લેવલ 128.50 ફૂટ અને નર્મદા મુખ્ય કેનાલમાંથી 1,570 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. શહેરના નારોલ, નરોડા, સરખેજ, ચાંદખેડા, સાબરમતી, ગોતા, ઓઢવ, વટવા, પ્રહલાદનગર, સેટેલાઈટ, વેજલપુર, બોડકદેવ, એસજી હાઈવે, બોપલ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે.
ઝાયડસ ચાર રસ્તા-સોલા ભાગવત સહિતના વિસ્તારોમાં ટ્રાફિક જામ
જેને પગલે શહેરના ઝાયડસ ચાર રસ્તા, સોલા ભાગવત, એસ.પી. રિંગ રોડ સહિત અનેક સ્થળોએ ટ્રાફિક જામ થયો હતો. છેલ્લા કેટલાક દિવસથી ગરમી પડ્યા બાદ વરસાદ અને પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદ બાદ સવારથી વિઝીબિલિટી ઓછી થઈ ગઈ છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ડીપ ડીપ્રેશનમાં ફેરવાતાં 9 અને 10 ઓગસ્ટના રોજ અમદાવાદમાં 100થી 150 મીમી એટલે કે 5થી 8 ઇંચ વરસાદ ખાબકવાની શક્યતા છે. આ ઉપરાંત કલાકના 25થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

