ચૂંટણી પહેલા જ કૉંગ્રેસમાં વધ્યો ભડકો, રાહુલ ગાંધીનાં ખાસ નેતાએ પાર્ટીને આપી મોટી શિખામણ

મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીથી ઠીક પહેલા કૉંગ્રેસમાં જબરદસ્ત વિવાદ ચાલી રહ્યો છે. કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદનાં રાહુલ ગાંધી પર આપવામાં આવેલા નિવેદન પર રાશિદ અલ્વીનાં જોરદાર હુમલા બાદ હવે જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ શિખામણ આપી છે. સિંધિયાએ કહ્યું કે, “હું કોઇની પણ કૉમેન્ટ પર ટિપ્પણી નહીં કરું, પરંતુ હા, એમાં કોઈ શંકા નથી કે પાર્ટીએ આત્મનિરીક્ષણ કરવાની જરૂરિયાત છે.

કૉંગ્રેસે આત્મનિરીક્ષણની જરૂર છે

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, “કૉંગ્રેસે આત્મનિરીક્ષણની જરૂર છે, જે સ્થિતિ છે તેની માહિતી લેવી અને સુધારવી એ સમયની જરૂરી માંગ છે.” મહારાષ્ટ્ર ચૂંટણીને લઇને તેમણે કહ્યું કે, “જ્યાં સુધી મારી જવાબદારી હતી તે સ્ક્રીનિંગ કમિટીની છે. ત્યાં મહાસચિવ ખડગે સાહેબ છે. અમારી સંપૂર્ણ ટીમ ત્યાં છે. પૂર્વ મુખ્યમંત્રી અમારે ત્યાં ચાર-ચાર છે. અમારા વર્તમાનનાં પીસીસી અધ્યક્ષ છે, સદનનાં નેતા છે. મને વિશ્વાસ છે કે સાથે મળીને કામ કરીશું. આ ભૂમિકા ક્ષેત્રીય સંગઠન અને મહાસચિવની હોય છે, જે ભૂમિકાને તે લોકો સારી રીતે નીભાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.”

રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપતા કૉંગ્રેસની મુશ્કેલી વધી- ખુર્શીદ

આ પહેલા કૉંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે બુધવારની સવારે કહ્યું હતુ કે, “અમારા આગ્રહ છતા રાહુલ ગાંધીએ પદ પરથી રાજીનામું આપી દીધું. ઘણા લોકોએ તેમને પદ પર રહેવાનો આગ્રહ કર્યો, પરંતુ તેમણે પદ છોડી દીધું. આ તેમનો નિર્ણય હતો અને આપણે તેનો આદર કરવો જોઇએ.” તેમણે આ નિવેદન એવા સમયે આપ્યું છે, જ્યારે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ફક્ત 2 અઠવાડિયાથી પણ ઓછો સમય બચ્યો છે અને રાહુલ ગાંધી વિદેશ જતા રહ્યા, જેને લઇને પ્રશ્ન પુછવામાં આવી રહ્યા છે. સલમાન ખુર્શીદે કહ્યું કે, “રાહુલ ગાંધીનાં કૉંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાના કારણે કૉંગ્રેસ પાર્ટી મુસીબતમાં આવી ગઇ છે.”

ખુર્શીદનાં નિવેદન પર રાશિદ અલ્વીને કર્યા પ્રહાર

કૉંગ્રેસ નેતા રાશિદ અલ્વી પોતાની જ પાર્ટીનાં અન્ય વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદનાં રાહુલ ગાંધી પર આપેલા નિવેદનથી એટલા નારાજ થઇ ગયા કે તેમણે ઇશારા-ઇશારામાં ખુર્શીદને ઘરમાં આગ લગાવનારા અને પાર્ટીનાં દુશ્મન સુદ્ધા ગણાવી દીધા. આ ઉપરાંત કૉંગ્રેસનાં સંજય નિરૂપમ અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે પણ વિવાદ ચાલી રહ્યો છે.