ગુજરાતમાં સર્વત્ર વરસાદ, મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં ભારે તબાહી

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાતમાં ભારે વરસાદને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડા જિલ્લાના મહુધામાં 11 ઇંચ તેમજ ગલતેશ્વરમાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

બીજી તરફ મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં પૂરને લીધે ભારે તબાહી થઈ છે. તામિલનાડુમાં પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદને લીધે જનજીવન ખોરવાયું છે.

ગુજરાતમાં ભારે વરસાદની અસરને પગલે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. વડોદરામાં ભારે વરસાદને પગલે નાગરિકોને સાવધ રહેવાની અપીલ કરવામાં આવી છે.

વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ પહોંચતા ફરી પૂરનો ખતરો ઉભો થયો છે.

ગુજરાતમાં 48 તાલુકાઓમાંઓ એવા છે કે જ્યાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે અને 42 તાલુકાઓમાં અડધો ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં 15 તાલુકાઓમાં ગઈ કાલ સુધી 6 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. 27 તાલુકાઓમાં 4 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે તો 23 તાલુકાઓમાં 3 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.

ખેડાના મહુધામાં સૌથી વધારે 11 ઇંચ અને ગલતેશ્વરમાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

ગુજરાતની જીવાદોરી નર્મદા નદી બે કાંઠે વહી રહી છે અને ગઈ કાલે પહેલી વખત ડૅમના 25 દરવાજા ખોલવામાં આવ્યા હતા.

નર્મદા નદીમાં પાણીનું સ્તર ભયજનક સપાટીથી 5 ફૂટ ઉપર 28 ફૂટ થઈ ગયું છે.

ખાસ કરીને વડોદરા, તાપી અને સુરત તેમજ ભરૂચ જિલ્લામાં હજી વરસાદ પડે તો સ્થિતિ ગંભીર થઈ શકે છે.

ભારે વરસાદ અને નદીઓની ભયજનક સ્થિતિને પગલે તમામ જિલ્લાતંત્રોને સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં નર્મદા, તાપી, વિશ્વામિત્રી અને ઓરસંગ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

રાહત અને બચાવ માટે એનડીઆરએફ 18 ટીમો અને એસડીઆરએફની 11 ટીમો તહેનાત કરવામાં આવી છે.

આ સાથે વડોદરા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

આ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે.

મહારાષ્ટ્રમાં 29 લોકોનાં મૃત્યુ, 2 લાખનું સ્થળાંતર

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના કોલ્હાપુર અને સાંગલીમાં પૂરની વિકટ સ્થિતિ ઊભી થઈ છે.

વીજ પૂરવઠો બંધ થઈ જતા હાલ બે લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

ન્યૂઝ 18ના અહેવાલ મુજબ મહારાષ્ટ્રના સાંગલીમાં લોકોને લઈને જતી બોટ ઊંઘી વળી જતાં 9 લોકોનાં મોત થયાં છે.

મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કેટલીક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવી પડી છે.

કોલ્હાપુર અને સાંગલીમાં લોકોને બચાવવા માટે આર્મી, એનડીઆરએફ, નેવી તથા સ્થાનિક તંત્ર કામે લાગ્યું છે.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ પૂર પ્રભાવિત વિસ્તારનો ઍરિયલ સર્વે પણ કર્યો હતો.

મહારાષ્ટ્રમાં પણ પૂરને પગલે અત્યાર સુધી 29 લોકોનાં મૃત્યુ થયા છે.

કેરળ અને કર્ણાટકમાં ભારે તબાહી

કેરળમાં સાત જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવેલી છે.

રાહત શિબિરોમાં આશ્રય લઈ રહેલાં કર્ણાટકના બેલગાવી જિલ્લાના 100 વર્ષીય ગંગાપ્પાએ કહ્યું કે 100 વર્ષમાં આપી પૂરની સ્થિતિ અને આટલું પાણી નથી જોયું.

કર્ણાટકમાં 467 રાહત છાવણીઓમાં 95,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

કિશ્ના નદીમાં ભારે પૂરને અત્યાર સુધી 33 લોકોનાં મૃત્યુ થયાં છે જેમાં કેરળમાં અત્યાર સુધી 28 લોકોનાં મૃત્યુ થયાં છે.

કેરળમાં 315 રાહત છાવણીઓમાં 22,165 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

કેરળમાં સદીનું સૌથી ભયાનક પૂર ગણાવાઈ રહ્યું છે.

ગયા વર્ષે કેરળમાં આવેલા ભારે પૂર બાદ આ વર્ષે પણ કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

પહાડી વિસ્તારમાં કેટલીક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ નોંધાઈ છે.

દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં પણ ભારેથી અતિભારે વરસાદને કારણે 15 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે.

ભારે પૂરના કારણે રાજ્યમાં લાખો લોકો પ્રભાવિત થયાં છે અને અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયું છે.

કર્ણાટક સરકારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યને સંપત્તિનું ભારે નુકસાન થયું છે અને સરકારે લોકોને મદદની અપીલ કરી છે.