પાકિસ્તાને આ વખતનો પોતાનો સ્વતંત્ર દિન કાશ્મીરીઓને ભડકાવવા માટેના વિવિધ કાર્યક્રમો સાથે ઉજવ્યો હતો. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સરહદે આવ્યા હતા, તેઓનું પીઓકેમાં અનેક સ્થાનિકોએ સ્વાગત કર્યું હતું. દરમિયાન પીઓકેમાં ઇમરાન ખાનના કાર્યક્રમમાં ભારત વિરોધી નારાઓ અને ભાષણો જોવા મળ્યા હતા. ઇમરાન ખાને ભારત વિરોધી ભાષણમાં ઝેર ઓકતા જણાવ્યું હતું કે ૩૭૦ મુદ્દે પાકિસ્તાન શાંત નહીં બેસે, અમારા સૈન્યને યુદ્ધની તૈયારીઓ કરી લેવાના આદેશ આપવામાં આવ્યા છે. સાથે તેમણે કાશ્મીરીઓને ભડકાવ્યા હતા અને કહ્યું હતું કે કાશ્મીરીઓ અને પાકિસ્તાનીઓ બન્ને એક જ છે.
પીઓકેની વિધાનસભામાં ઇમરાન ખાને પાકિસ્તાનનો સ્વતંત્ર દિન ઉજવ્યો હતો, જે દરમિયાન આપેલા પોતાના ભાષણમાં તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરના મામલાને દુનિયાની સમક્ષ લઇ જશે. જ્યારે પાકિસ્તાનમાં અમારી સરકાર બની ત્યારે અમે શાંતિ તરફ જવા માગતા હતા કેમ કે બન્ને દેશોની સમસ્યાઓ એક સરખી જ છે પણ ભારતે અમારી વાતો અને માગણીઓ પર ધ્યાન જ ન આપ્યું. ઇમરાને આ દરમિયાન ક્લાઇમેટ ચેંજ, ગરીબી, રોજગારી જેવા મુદ્દાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો સાથે દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાંથી આ દરેક સમસ્યાઓને ખતમ કરવામાં આવશે.
ઇમરાને સાથે કાશ્મીરીઓ અને પાકિસ્તાની નાગરીકોને ભારત વિરુદ્ધ ભડકાવ્યા હતા. જોકે મોટા ભાગે ઇમરાને પોતાના જુના ભાષણને જ રિપિટ કર્યું હતું અને શાંતિ માટે હાથ લંબાવ્યો હતો તેવા માત્ર ખોખલા દાવા કર્યા હતા. ઇમરાને સાથે એમ પણ ચીમકી આપી છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો એ દેશો અને સંયુક્ત રાષ્ટ્ર જવાબદાર રહેશે કે જે આર્ટિકલ ૩૭૦ નાબુદી મુદ્દે અમે જે માગો કરી તેને લઇને ચુપ રહ્યા છે.
ઇમરાન ખાને દાવો કર્યો હતો કે આર્ટિકલ ૩૭૦ નાબુદી અને કાશ્મીરીઓ સાથે ભારતીય સૈન્ય દ્વારા થયેલો વ્યવહાર તેને દુનિયાની સમક્ષ લઇ જઇશું. પીઓકે પણ ભારતનો જ હિસ્સો છે, જેને પાકિસ્તાને હડપી લીધો છે. આજે પણ કાશ્મીરમાં પીઓકે માટેની વિધાનસભાની બેઠકો છે. તેથી હવે આર્ટિકલ ૩૭૦ નાબુદી બાદ સરકાર પીઓકે પર પણ કામગીરી શરૂ કરી શકે છે. આ અંગેનો ભય હવે પાકિસ્તાનને પણ લાગવા લાગ્યો છે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના ભાષણમાં તેનો ઉલ્લેખ જોવા મળ્યો હતો. ઇમરાન ખાને કહ્યું હતું કે ભારત માત્ર કાશ્મીર સુધી અટકવાનું નથી, તેની નજર પીઓકે પર પણ છે. અમને રિપોર્ટ મળી છે કે તેઓ પીઓકેમાં પણ ઘુસી શકે છે, જોેકે આવી કોઇ પણ પ્રકારની ઘુસણખોરીને આક્રામક રીતે જવાબ આપવા માટે પાકિસ્તાન સૈન્યને પણ સજ્જ કરી લેવામાં આવ્યું છે. ઇમરાને આગામી દિવસોમા કાશ્મીર મુદ્દાને અન્ય દેશોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને ઉઠાવવાની પણ ધમકી આપી હતી.

