ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર પી વી સિંધૂએ વર્લ્ડ બેડિમ્ન્ટ ચેમ્પિયનશિપ 2019ની મહિલા સિંગલ્સની ફાઈનલમાં પહોંચી ગઈ છે. સેમિફાઈનલમાં તેણે ચીનની ચે યૂ ફેઈને 21-7, 21-14થી પરાજય આપ્યો હતો. આ સાથે જ સિંધૂ સળંગ ત્રીજા વર્ષે આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી છે. સિંધૂએ ચીનની ખેલાડી વિરુદ્ધ પોતાનો વ્યક્તિગત સ્કોર 6-3 કર્યો હતો.
રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડાલિસ્ટ સિંધૂએ પ્રથમ ગેમમાં ચીનની ખેલાડી પર દબદબો કાયમ રાખ્યો હતો. સિંધૂએ ફક્ત 15 મિનિટમાં જ પ્રથમ ગેમ પોતાના નામે કરી લીધી હતી. તે 8-3થી આગળ હતી અને પ્રથમ ગેમના બ્રેક સુધી 11-3થી આગળ હતી. સિંધૂએ ત્યારબાદ ત્રણ પોઈન્ટ મેળવ્યા હતા અને સળંગ છ પોઈન્ટ જીતીને 14-3થી ગેમ પર કબ્જો જમાવી લીધો હતો. ત્યારબાદ યુ ફેઈ એક અંક મેળવતા સિંધૂની રેલી પર બ્રેક લગાવી હતી. પરંતુ સિંધૂ ગેમમાં પરત ફરી હતી અને પોતાના હરીફને 21-7થી પરાજય આપ્યો હતો.
ફાઈનલમાં સિંધૂનો મુકાબલો ઈન્ડોનેશિયાની ઈંતાનોન રતચાનોક અને જાપાનની નોજોમી ઓકુહારા વચ્ચે બીજી સેમિફાઈનલના વિજેતા ખેલાડી સાથે થશે.
બીજી ગેમમાં યુ ફેઈએ સંઘર્ષ કર્યો હતો. સિંધૂએ સમગ્ર કોર્ટને કવર કરીને પોતાની શાનદાર રમત દર્શાવી હતી. કેટલાક શોર્ટ લીવ શોટ રમીને સિંધૂએ પોતાના હરીફને બીજી ગેમમાં પણ સરળતાથી મ્હાત આપી હતી.