રાહુલ ગાંધી સહિત 11 નેતાઓની શ્રીનગર એરપોર્ટ પર અટકાયત, દિલ્હી પરત મોકલાયા

મુખ્ય સમાચાર રાજકીય

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ૧૦ વિપક્ષી નેતાઓની સાથે શનિવારે શ્રીનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. પરંતુપ્રશાસને તેમને એરપોર્ટ પરથી જ દિલ્હી પરત મોકલી દીધા છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી દેવાયા બાદ વિપક્ષી નેતાઓના પ્રતિનિધિમંડળ રાજ્યના પ્રવાસ પર ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ ગાંધી રાજ્યની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અને સ્થાનીક નાગરિકો સાથે મુલાકાત કરવા માટે રાજ્યના પ્રવાસ કરવા માટે પહોંચ્યા હતા.

આ દરમિયાન જમ્મુ-કાશ્મીર પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું કે કોઈ પણ નેતા રાજ્યનો પ્રવાસ કરવા માટે ન આવે. તેમના આવવાથી શાંતિ વ્યવસ્થા જાળવી રાખવાની કોશિશોમાં ભંગ પડી શકે છે. રાજ્યનો વિશેષ દરજ્જો છિનવી લેવાયા બાદથી હજી સુધી એક પણ નેતાને રાજ્યની અંદર પ્રવેશ આપવામાં નથી આવ્યો.

રાહુલ ગાંધી ઉપરાંત વિપક્ષના પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કે સી વેણુગોપાલ,સીપીએમ નેતા સીતારામ યેચુરી, જેડીયૂ નેતા શરદ યાદવ, દ્રમુક નેતા તિરુચીશિવા, રાકાંપા નેતા માજિદ મેમન, સીપીઆઈ નેતા ડી રાજા, તૃણમૂલ નેતા દિનેશ ત્રિવેદી અને આરજેડીનેતા મનોજ ઝા પણ કાશ્મીર પ્રવાસ માટે રવાના થયા હતા.