ભાજપના દિગ્ગજ નેતા અરૂણ જેટલી ક્રિકેટ અને ક્રિકેટર્સ સાથેની નિકટતા માટે પણ જાણીતા હતા. આજે જેટલીએ ભલે દુનિયાને અલવિદા કીધી હોય પણ વિરેન્દ્ર સહેવાગ તેમને આખી જીંદગી યાદ રાખશે.એક સમયે ભારતીય ટીમના વિસ્ફોટક ઓપનર રહી ચુકેલા વિરેન્દ્ર સહેવાગને જેટલી સાથે ગાઢ મિત્રતા હતી એટલે સુધી કે સહેવાગના લગ્ન પણ જેટલીના સરકારી બંગલામાં થયા હતા. તે સમયે અરુણ જેટલી કાયદા મંત્રી હતા.
જેટલીને અશોક રોડ પર સરકારી બંગલો ફાળવવામાં આવ્યો હતો. જોકે જેટલી તે વખતે કૈલાશ કોલોનીમાં પોતાના નિવાસ સ્થાન પર રહેતા હતા. સરકારી બંગલા પર કાર્યક્રમોના આયોજન પર તે સમયે પ્રતિબંધ પણ નહોતો.આમ સહેવાગના લગ્ન સમારોહનુ આયોજન આ બંગલામાં થયુ હતુ. જ્યારે દિલ્હી ક્રિકેટ બોર્ડમાં ભ્રષ્ટાચારનો મામલો ગાજ્યો હતો અને અરૂણ જેટલીનુ નામ તેમાં ઉછળ્યુ હતુ ત્યારે સહેવાગ અને ગંભીર તેમના બચાવમાં ઉતર્યા હતા.
સહેવાગનુ કહેવુ છે કે કોઈ પણ ખેલાડીને અન્યાય થતો હોય અને જેટલીનુ ધ્યાન દોર્યુ હોય તો તેઓ તરત જ ખેલાડીને ન્યાય મળે તેમાટે પ્રયત્ન કરતા હતા. જેટલીએ પોતાના પર ગોટાળાનો આરોપ લગાવનારા અરવિંદ કેજરીવાલ સહીતના આપના નેતાઓ પર 10-10 કરોડ રુપિયાના માનહાનિના કેસ કોર્ટમાં કર્યા હતા.એ પછી કેજરીવાલ સહિતના આપ નેતાઓએ માફી માગી લીધી હતી.

