ઉત્તર ગુજરાત સહીત સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં કેટલાક સમાજમાં હજુ પણ બાળવિવાહની પ્રથા યથાવત જોવા મળી રહી છે. સાબરકાંઠાના વડાલી ખાતે અખાત્રીજના શુભમુહર્તમાં ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં ઇડર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા હિતુ કનોડિયા ઉપસ્થિતિમાં યોજાયેલ સમૂહ લગ્નમાં જીલ્લા બાળ કલ્યાણ વિભાગની ટીમે ત્રાટકી ૩૧ યુગલો માંથી ૨૧ યુગલો સગીરવયના હોવાથી લગ્ન અટકાવતા આયોજકોમાં ભારે દોડધામ મચી હતી. એક યુગલના પુરાવા રજુ કરવામાં આયોજકો અને યુગલના પરિવારજનો નિષ્ફળ રહેતા મોકૂફ રાખ્યા હતા. બાળસુરક્ષા વિભાગે સૂચના અને કાર્યવાહીના પગલે ૨૧ વરઘોડિયાઓને આયોજકોએ સમુહલગ્ન કાર્યકાર્મમાં ન આવવા સૂચના આપી દીધી હતી.
ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયા અખાત્રીજના દિવસે વડાલી-માલપુર ખાતે યોજાયેલા વડાલી તાલુકા પશ્ચિમ વિભાગ ઠાકોર સમાજના પાંચમા સમૂહ લગ્નોત્સવમાં મુખ્ય મહેમાન બન્યા હતા. આ સમૂહ લગ્નમાં ૩૧ નવદંપતીમાંથી ૨૧ યુગલની ઉંમર ઓછી હોવાથી જીલ્લા સુરક્ષા અધિકારીની ટીમે ત્રાટકી ૨૧ લગ્ન અટકાવતા હિતુ કનોડિયાએ ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હતું અને તેમને આયોજકોએ અંધારામાં રાખ્યા હોય તેમ જણાવ્યું હતું કે, હું દિલ્હી પ્રચારમાંથી સીધો આવ્યો છું અને આયોજકોએ મને ૧૦ થી ૧૧ નવદંપતીના જ સમુહલગ્ન છે તેવું જણાવ્યું હતું અને જીલ્લા સુરક્ષા અધિકારીએ સમૂહ લગ્નમાં ત્રાટકીને ૨૧ સગીર વયના લગ્ન અટકાવ્યા હોવાની ઘટનાથી અજાણ રાખવામાં આવ્યો હોવાનું જણાવી બાળ લગ્નનો સંપૂર્ણ વિરોધી છું તેમ કહ્યું હતું.
વડાલી-માલપુર ખાતે ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં ભાજપ-કોંગ્રેસના ઇડર તાલુકાના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બાળ સુરક્ષા અધિકારીની રેડ પછી બંને પક્ષના રાજકીય અગ્રણીઓ પણ દુવિધામાં મુકાયા હતા. આધુનિક ભારત અને ગતિશીલ ગુજરાતમાં એકસાથે ૨૧ યુગલોના બાળ લગ્ન સમાજ માટે શરમજનક ઘટના બનતા ભારે ચકચાર મચી હતી.
સોમવારે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના રાજપુર ખાતે હિંમતનગર ૪૨ ગોળ વિભાગ સાબરકાંઠા રાવળ યોગી સમાજ દ્વારા યોજાયેલ સમૂહલગ્નમાં પણ ૪૯ યુગલ પૈકી ૩૪ બાળ લગ્ન અટકાવતા ખળભળાટ મચી ગયો હતો.
આ અંગે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી મહેશભાઇ પટેલે જણાવ્યું કે, મંગળવારના રોજ વડાલી તાલુકાના માલપુર ગામ ખાતે સા.કાં. જિ. ઠાકોર વિકાસ મંડળ આયોજીત, વડાલી તાલુકા પશ્ચિમ વિભાગના પાંચમાં સમૂહલગ્નોત્સવમાં 31 યુવક-યુવતીના લગ્ન થઇ રહ્યા હોવાની જાણ થતા આયોજકો પાસે તમામની ઉંમરના આધાર પૂરાવા માંગવામાં આવ્યા હતા. તે પૈકી 21 છોકરા અને 21 છોકરીઓની ઉંમર ઓછી હોવાથી તેમના લગ્ન ન કરાવવા આયોજકોને સૂચના આપી હતી અને આયોજકોએ ખાતરી પણ આપી હતી.
મંગળવારના રોજ સ્થળ પર જઇ આ બાબતે ચકાસણી પણ કરવામાં આવી હતી. જેમાં 21 વરઘોડિયા આવ્યા ન હતા, તદ્દપરાંત એક જોડાના આધાર પૂરાવા રજૂ ન થતા તેમના પણ લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, બાળલગ્ન કરવા, કરાવવા તેમાં સહયોગ આપવો, આયોજન કરવુ તમામ ગુનાહિત પ્રવૃતિ ગણાય છે અને તમામને રૂ. 1 લાખ દંડ અને 2 વર્ષ જેલની સજાની કાયદામાં જોગવાઇ હોવા અંગે જાણકારી આપવામાં આવી છે.