અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટ 224 રને જીતી હતી. આ અફઘાન ટીમની વિદેશમાં પ્રથમ જીત છે. અગાઉ 2 ટેસ્ટ રમેલ અફઘાનિસ્તાન ભારત સામે હાર્યું અને આયર્લેન્ડ સામે જીત્યું હતું. આયર્લેન્ડ સામે તેણે તટસ્થ જગ્યાએ જીત મેળવી હતી. 398 રનનો પીછો કરતા બાંગ્લાદેશ બીજા દાવમાં 173 રનમાં ઓલઆઉટ થયું હતું. બીજા દાવમાં 6 અને મેચમાં 11 વિકેટ ઝડપનાર રાશિદ ખાન મેન ઓફ ધ મેચ બન્યો હતો.
અફઘાનિસ્તાનને સોમવારે મેચ જીતવા માટે 4 વિકેટની જરૂર હતી, પરંતુ વરસાદના લીધે પહેલા બે સેશન રદ થયા હતા. રમત શરૂ થઇ ત્યારે અફઘાનિસ્તાને સૌથી પહેલા શાકિબ અલ હસનને આઉટ કર્યો હતો. તે પછી મહેંદી હસન, તૈજુલ ઇસ્લામ અને સૌમ્ય સરકાર આઉટ થયા હતા. સરકારને આઉટ કરીને રાશિદે અફઘાનિસ્તાનને મેચ જીતાડી હતી. બાંગ્લાદેશના ત્રણ બેટ્સમેન જ 20 રનનો આંક વટાવી શક્યા હતા. કપ્તાન શાકિબ અલ હસને સર્વાધિક 44 રન કર્યા હતા. જયારે ઓપનર એસ ઇસ્લામે 41 રન કર્યા હતા. રાશિદે 6 વિકેટ, ઝાહિર ખાને 3 વિકેટ અને મોહમ્મદ નાબીએ 1 વિકેટ લીધી હતી.
મોહમ્મદ નાબીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
અફઘાનિસ્તાનના મોહમ્મદ નાબીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. 34 વર્ષીય નાબીએ અફઘાનિસ્તાન માટે 3 ટેસ્ટ રમી હતી. તેણે 3 ટેસ્ટમાં 33 રન બનાવ્યા હતા અને 8 વિકેટ ઝડપી હતી. પોતાની અંતિમ મેચમાં તેણે 4 વિકેટ લીધી હતી. જોકે બેટ વડે માત્ર 8 રન કરી શક્યો હતો. તે વનડે અને ટી-20માં રમવાનું ચાલુ રાખશે.