શાહે કહ્યું-અમે સો વખત કહ્યું હતું કે ફડણવીસ જ CM હશે, વિપક્ષ પાસે સરકાર બનાવવા માટે હવે 6 મહિનાનો સમય

મુખ્ય સમાચાર રાજકીય

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે બુધવારે મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ વિશે કહ્યું કે અત્યારે ત્યાં દરેક વિપક્ષ પાર્ટી પાસે સરકાર બનાવવાનો મોકો છે. ન્યૂઝ એજન્સી એએનઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું કે અમે ચૂંટણી સમયે સો વખત કહ્યું હતું કે ગઠબંધન સરકાર બની તો દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી હશે પરંતુ ત્યારે કોઇએ વિરોધ ન કર્યો. શાહે રાષ્ટ્રપતિ શાસન લગાવવા વિશે કહ્યું કે રાજ્યપાલે યોગ્ય નિર્ણય લીધો છે અને હવે દરેક પાસે સરકાર બનાવવા માટે 6 મહિનાનો સમય છે.

શિવસેના કહે છે કે રાજ્યપાલે તેમને સરકાર બનાવવા માટે સમય ન આપ્યો ?
આ વિષયમાં સવાલ પૂછવા પર શાહે કહ્યું- મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા કોઇ પણ રાજ્યમાં સરકાર બનાવવા માટે આટલો સમય નથી આપવામાં આવ્યો. 18 દિવસ આપવામાં આવ્યા. રાજ્યપાલે વિધાનસભાનો કાર્યકાળ પૂરો થયા બાદ પાર્ટીઓને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું. શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ સરકાર બનાવવાનો દાવો રજૂ ન કર્યો. અમે પણ ન કર્યો. આજે જો કોઇ પાર્ટી પાસે સંખ્યાબળ હોય તો તે રાજ્યપાલ પાસે જઇ શકે છે.

ભાજપ-શિવસેનાએ ચૂંટણી સાથે લડી અને પરિણામો બાદ અલગ થઇ ગયા ?
શાહે કહ્યું- ચૂંટણી પહેલા અને એ સમયે મેં સો વખત કહ્યું હતું, નરેન્દ્ર મોદીજીએ કેટલીયે વખત કહ્યું હતું કે જો ગઠબંધન સરકાર બનશે તો અમારા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જ હશે. ત્યારે કોઇએ વિરોધ નોંધાવ્યો ન હતો. હવે તેઓ નવી માંગણીઓ લઇને આવી રહ્યા છે જે અમને સ્વીકાર્ય નથી. અમે વિશ્વાસઘાત નથી કર્યો.

દરેક પાસે પૂરો મોકો છે- શાહ
શાહે કહ્યું – હું માનું છું કે રાજ્યપાલે યોગ્ય કામ કર્યું છે. આજે દરેક લોકો સરકાર બનાવી શકે છે. શિવસેના 2 દિવસ માંગી રહી હતી, રાજ્યપાલે 6 મહિનાનો મોકો આપી દીધો છે. કપિલ સિબ્બલ જેવા વકીલ એવા નિવેદન કરી રહ્યા છે કે મોકો છિનવી લીધો. તમારી પાસે પૂરો મોકો છે. આ સ્પષ્ટ કરવા માટે જ હું અહીંયા છું કે દરેક પાસે મોકો છે.