મહારાષ્ટ્ર : શિવસેનાની હાલત ના ઘરના ના ઘાટના જેવી થઇ

મુખ્ય સમાચાર રાજકીય

રાજકારણમાં સામેથી આવેલી તક ગુમાવનારા બહુ પસ્તાતા હોય છે. મહારાષ્ટ્રમાં સત્તા માટે ચાલેલી ખેંચતાણમાં વિપક્ષોને મળેલી સત્તા મેળવવાની તક કોંગ્રેસ અને એનસીપીએ રાજકીય લેખાજોખા કરવામાં ગુમાવી દીધી છે અને હવે મહારાષ્ટ્રમાં છ મહિના સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ થઇ ગયું છે.

મહારાષ્ટ્રમાં રાજકીય રસ્સાખેંચની ઘટના એટલી હાઇ વોલ્ટેઝ ડ્રામાથી ભરેલી રહી કે ભલભલા રાજકીય પંડિતો પણ શું થઇ રહ્યું છે અને શું થશે તેનું આંકલન કરવામાં ગોથું ખાઇ ગયા. મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે શિવસેનાને ગર્વનરે આપેલા સમયમાં શિવસેના કોંગ્રેસ અને એનસીપીનાં સમર્થનનાં પત્રો રજૂ ના કરી શકી. ત્યારપછી જે ઘટનાક્રમ સર્જાયો તે બહુ ઝડપી અને વિપક્ષો માટે કાતિલ રહ્યો. શિવસેનાએ ત્રણ દિવસનો વધારે સમય માગ્યો પરંતુ ગર્વનરે આપ્યો નહીં અને એનસીપીને સરકાર રચવા આમંત્રણ આપી દીધું. એનસીપીને સરકાર રચવા મંગળવાર સાંજ સુધીનો સમય અપાયો હતો પરંતુ એનસીપી આગળની કંઇ હિલચાલ કરે તે પહેલાં જ રાજકીય ઘટનાક્રમ એટલો ઝડપી ચાલ્યો કે રાજ્યપાલે બપોરે જ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી આપી. કેન્દ્ર સરકારે તાકીદે કેબિનેટ બોલાવીને બપોરે જ રાજ્યપાલની ભલામણ મંજૂર કરીને રાષ્ટ્રપતિને મોકલી આપી હતી. મંગળવારની સાંજે રાષ્ટ્રપતિએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના કેબિનેટની ભલામણ પર સહી કરી દેતાં મહારાષ્ટ્રમાં મંગળવાર સાંજથી જ છ માસ માટે હવે રાષ્ટ્રપતિ શાસન લદાઇ ગયું છે.

રાજકારણનાં આ રસ્સાખેંચમાં સૌથી વધારે નુકસાન જો મહારાષ્ટ્રમાં થયું હોય તો તે શિવસેનાને થયું છે. શિવસેનાની હાલત અત્યારે ધોબીનો કૂતરો ના ઘરનો કે ના ઘાટનો જેવી થઇ ગઇ છે. રાજકીય રીતે શિવસેનાની હાલત અત્યારે હાસ્યાસ્પદ બની ગઇ છે. શિવસેનાએ ત્રીસ વર્ષ જૂનો ભાજપનો સાથ છોડયો અને કાયમના રાજકીય દુશ્મન એવા એનસીપી અને કોંગ્રેસનાં સોડમાં ગઇ. પરંતુ એનસીપી અને કોંગ્રેસે બારણે આવેલાં કોઇ ભીખારીને ઊભો રાખે તેમ શિવસેનાને ઊભી રાખી અને સમર્થનનો પત્ર છેક છેલ્લી ઘડી સુધી ન આપ્યો. જેના પરિણામે શિવસેનાની હાલત એવી થઇ કે જાન લઇને વરરાજા માંડવે પહોંચે અને કન્યા ઘરમાંથી ભાગી ગઇ હોય. શિવસેનાને આવો જ અનુભવ થયો. મોટા ઉપાડે શિવસેના સરકાર રચવા ગર્વનર હાઉસમાં ગઇ હતી. શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનાં પુત્ર આદિત્ય ઠાકરેને એમ હતું કે, કોંગ્રેસ અને એનસીપીનાં સમર્થનનાં પત્ર સીધા ગર્વનર હાઉસનાં ફેક્સ પર ઊતરશે. આદિત્ય ઠાકરે ગર્વનર હાઉસમાં બેસી રહ્યાં પરંતુ કોંગ્રેસ કે એનસીપીનો કોઇ પત્ર રાત સુધી ગર્વનર હાઉસના ફેક્સ પર ઊતર્યો નહીં. આદિત્ય ઠાકરે વીલા મોંઢે ગર્વનર હાઉસની બહાર નીકળ્યાં. આદિત્ય ઠાકરે હજુ રાજકારણનાં કાચા ખેલાડી છે. તેમને સામે રાજકારણના અઠંગ ખેલાડી એવા શરદ પવાર અને કોંગ્રેસનાં ખાઇબદેલા નેતાઓ છે. આ સંજોગોમાં આદિત્ય ઠાકરેને હજુ રાજકારણના ઘણા રંગ જોવાના બાકી છે.

શિવસેનાની વાત છે ત્યાં સુધી શિવસેનાને આ રાજકીય ઘમાસાણમાં ચારે બાજુથી ફટકો પડયો છે. ભાજપ સાથે સત્તાની સોદાબાજી કરવાના અતિરેકમાં શિવસેનાએ પોતાના હાર્ડકોર વોટર્સની નારાજગી વહોરી છે. કારણ કે મહારાષ્ટ્રનાં મતદારોએ ભાજપ-શિવસેનાનાં ગઠબંધનને નજર સામે રાખીને મતદાન કર્યું હતું અને એટલે જ શિવસેનાને ૫૬ બેઠકો મળી હતી. મુખ્યમંત્રીનું પદ મેળવવાની લ્હાયમાં શિવસેનાએ ચૂંટણી પછી ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો તે વાતથી મતદારો કેટલા નારાજ થયાં છે તેનું આંકલન આગામી દિવસોમાં થશે. પરંતુ આ રાજકીય ખેલમાં શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસની સાથે હાથ મિલાવવાની જે જુર્રત કરી છે તેના ઘેરા પ્રત્યાઘાતો શિવસૈનિકો અને શિવસેનાના મતદારોમાં ચોક્કસ પડવાના છે. શિવસેનાનું અસ્તિત્વ જ કોંગ્રેસનાં વિરોધને કારણે ઊભું થયું હતું. બાળાસાહેબ ઠાકરેએ કોંગ્રેસની નીતિઓનાં વિરોધમાં સ્થાનિક પક્ષ તરીકે શિવસેનાની સ્થાપના કરી હતી. મહારાષ્ટ્ર વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો. પરંતુ એકલા હાથે બાળાસાહેબ ઠાકરેએ કોંગ્રેસનો વિરોધ કર્યો અને પોતાનું એક અલગ અસ્તિત્વ ઊભું કર્યું. ખાસ કરીને મહારાષ્ટ્રમાં મરાઠી માનુષની અવગણના કોઇપણ સંજોગોમાં ચલાવી નહી લેવાય તે બાળાસાહેબનો ઉદ્દેશ્ય હતો. ત્યાર બાદ બદલાયેલા સંજોગોમાં બાળાસાહેબ કટ્ટર હિન્દુત્વનાં માર્ગે ચાલ્યાં. ૧૯૯૨માં જ્યારે અયોધ્યામાં બાબરી મસ્જિદનો ઢાંચો તોડી નાખવામાં આવ્યો ત્યારે તમામ રાજકીય પાર્ટીઓનાં મોંઢે તાળા હતા અને ખુદ ભાજપ પણ કંઇ બોલવા તૈયાર ન હતું ત્યારે બાળાસાહેબ ઠાકરેએ સૌપ્રથમ એવું નિવેદન કર્યું હતું કે, જો બાબરી મસ્જિદ શિવસૈનિકોએ તોડી હશે તો તેનો મને ગર્વ છે. રાજકીય આક્ષેપબાજીઓમાં પણ બાળાસાહેબ ઠાકરે કોંગ્રેસનાં કડક આલોચક રહ્યાં હતાં. સોનિયા ગાંધીને પ્રમુખ તરીકે સ્થાપિત કરનાર કોંગ્રેસીઓને બાળાસાહેબે એક ઇન્ટરવ્યૂમાં ‘હીજડા’ સુદ્ધા કહી દીધાં હતાં. કોંગ્રેસ માટે આટલા કટ્ટર રહેલાં બાળાસાહેબનાં દીકરા ઉદ્ધવ ઠાકરે જ્યારે સત્તા મેળવવા માટે કોંગ્રેસનાં શરણે જાય ત્યારે સ્વાભાવિક છે કે શિવસૈનિકોને આ અનુકૂળ વાત ન હોય. પરંતુ ભાજપ સામેનાં ટકરાવમાં ઠાકરે પરિવાર કોંગ્રેસનાં શરણે ગયું અને ખુદ ઉદ્ધવ ઠાકરેએ સોનિયા ગાંધી સાથે સપોર્ટ મેળવવા માટે ફોન પર વાત પણ કરી. આ બધા પરિબળો આગામી દિવસોમાં શિવસેના માટે કપરાં બનવાના છે. અત્યારે શિવસેનાએ ભાજપ જેવા મજબૂત સાથીદારનો હાથ છોડી દીધો છે. કેન્દ્ર સરકારમાં શિવસેના સામેલ હતી તેમાંથી તે નિકળી ગઇ છે. બીજી બાજુ જેના ભરોસે શિવસેનાએ કેન્દ્ર સરકારમાંથી નીકળી ગઇ અને ભાજપ સાથે છેડો ફાડયો તે એનસીપી અને કોંગ્રેસ હજુ શિવસેનાને ભાવ આપતાં નથી. એનસીપીએ તો શિવસેના સાથે ૫૦-૫૦ ટકાનું બાર્ગેનિંગ પણ શરૂ કરી દીધું હોવાનું સંભળાય છે. બીજી બાજુ કોંગ્રેસ શિવસેનાને ટેકો આપતા પહેલા સરકાર ચલાવવા માટેનો એજન્ડા નક્કી કરવા પર છે. ટુંકમાં એનસીપી અને કોંગ્રેસ શિવસેનાને ટેકો આપશે તો તે શિવસેનાને કઠપૂતળીની જેમ નચાવવા માગે છે. આ બધા સંજોગોમાં અત્યારે તો શિવસેના ચારે બાજુથી ભીંસમાં મૂકાઇ છે. જોઇએ હવે છ મહિના પછી શું થાય છે.