મદ્રાસ હાઇકોર્ટે બુધવારે પાસપોર્ટ ફાર્મમાં લિંગ પરિવર્તન સર્જરી(એસઆરએસ)ની જાણકારી માંગવા પર કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે. ચેન્નઇના સમાજિક કાર્યકર્તા શિવકુમારે પાસપોર્ટમાં આ પ્રકારની જાણકારી માંગવા વિરુદ્ધ અરજી દાખલ કરી છે. અરજદારે તેને બંધારણના અનુચ્છેદ 21નું ઉલ્લંઘન ગણાવ્યું હતું જેમાં નાગરિકોની વ્યક્તિગત આઝાદીને સંરક્ષણ આપવામાં આવ્યું છે.
શિવકુમારે કોર્ટને અપીલ કરી હતી કે પાસપોર્ટ અરજીમાં એસઆરએસ સર્ટિફિકેટ માંગવાને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે. તેના પર જસ્ટિસ એમ સત્યનારાયણ અને જસ્ટિસ એન શેષસાઇની બેન્ચે વિદેશ મંત્રાલય સાથે કાયદો અને સામાજિક ન્યાય મંત્રાલયને 12 ડિસેમ્બર સુધી જવાબ દાખલ કરવા માટે કહ્યું છે.
લિંગ પરિવર્તનનો સવાલ વ્યક્તિગત આઝાદીનું ઉલ્લંઘન
શિવકુમારે તેની અરજીમાં કહ્યું- પાસપોર્ટ કાયદા 1980ના નિયમ 39 અંતર્ગત એક અરજદાર પાસેથી તે હોસ્પિટલનું સર્ટિફિકેટ માંગવામા આવ્યું જ્યાં લિંગ પરિવર્તન સર્જરી કરવામાં આવી હતી. તેણે તેને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવ્યું હતું. અરજદારે તેની અરજીમાં ટ્રાન્સજેન્ડરો અને અધિકાર સંબંધી સુપ્રીમ કોર્ટના ચૂકાદાનો પણ હવાલો આપ્યો. આ ચૂકાદામાં કોર્ટે કહ્યું હતું કે બંધારણનો અનુચ્છેદ 19(1)(એ) કોઇ પણ વ્યક્તિને તેના લિંગની પસંદગી કરવા અને તેને જાહેર કરવા અથવા ન કરવાનો અધિકાર આપે છે.
ટ્રાન્સજેન્ડર પર સુપ્રીમ કોર્ટના ચૂકાદાનો હવાલો આપ્યો
ટ્રાન્સજેન્ડર લોકોની પરેશાનીનો ઉલ્લેખ કરતા અરજદારે કહ્યું – સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે લિંગ પરિવર્તન સર્જરી(એસઆરએસ)નું પ્રમાણપત્ર માંગવું ગેરકાયદેસર છે, પરંતુ 2016 સુધી પાસપોર્ટ માટે આવેદન કરવા પર તેમની પાસેથી મેડિકલ સર્ટિફિકેટ માગવામાં આવતું હતું. તેમણે એ પણ કહ્યું કે ભારત સિવાય દુનિયાભરમાં એસઆરએસ સર્ટિફિકેટને બિનજરૂરી અને વ્યક્તિગત આઝાદીનું ઉલ્લંઘન માનવામાં આવે છે.

