અમરિકાના હ્યુસ્ટનમાં 22 સપ્ટેમ્બરે પીએમ મોદી ભારતીય મૂળના લોકોને સંબોધિત કરવાના છે.
અમેરિકાના ઈતિહાસમાં આ સૌથી મોટી જાહેર સભાઓ પૈકીની એક હશે.કારણકે તેમાં 50000 લોકો સામેલ થવાના છે.હાઉડી મોદી નામથી યોજનારા કાર્યક્રમને લઈને હવે એવા અહેવાલ આવ્યા છે કે, તેમાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થઈ શકે છે.
2015માં જ્યારે બ્રિટનના વેમ્બલી સ્ટેડિયમમાં આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો ત્યારે તત્કાલિન બ્રિટિશ પીએમ ડેવિડ કેમરુન પણ પીએમ મોદી સાથે જોડાયા હતા.
એવુ મનાય છે કે, વ્હાઈટ હાઉસ ટ્રમ્પના આ કાર્યક્રમમાં સામેલ થવા પર બહુ જલ્દી કોઈ અપડેટ આપશે.આગામી વર્ષે અમેરિકામાં પણ પ્રેસિડેન્ટ પદ માટે ચૂંટણી થવાની છે ત્યારે આ કાર્યક્રમને તેની સાથે જોડવામાં આવી રહ્યો છે.
ટ્રમ્પ આ કાર્યક્રમમાં હાજર રહીને આગામી ચૂટંણીમાં અમેરિકાનો ભારતીય સમુદાય પોતાની સાથે છે તેવો આડકતરો સંદેશ પણ આપી શકે છે.
મોદી પહેલા યુનાઈટેડ નેશન્સની મહાસભામાં ભાગ લેવાના છે .એ પછી 22 સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરવાના છે.
આ કાર્યક્રમથી પાકિસ્તાનને મરચા લાગશે તે નક્કી છે અને તેમાં પણ જો ટ્રમ્પ એક જ સ્ટેજ પર મોદી સાથે ઉભા રહ્યા તો પાકિસ્તાનના કાશ્મીર મુદ્દાનુ આંતરરાષ્ટ્રિય કરણ કરવાના પાકના પ્રયાસોની હવા નિકળી જવાની છે.યુએનની મહાસભામાં પણ પાકિસ્તાન જે જુઠ્ઠાણા ચલાવશે તેના પર ભાગ્યે જ કોઈ ધ્યાન આપશે.
મોદીની આ મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે વેપાર મુદ્દે જે મતભેદો છે તેનો ઉકેલ પણ આવી શકે છે અને બે દેશ વચ્ચે બહુ મોટા કરારો પણ થઈ શકે છે.

