પાકિસ્તાની મીડિયા તરફથી સમાચાર આવી રહ્યાં છે કે, ભારતે ઔપચારિકપણે પાકિસ્તાનને અનુરોધ કર્યો છે કે, તે વડાપ્રધાન મોદીની ન્યૂયોર્કના પ્રવાસ માટે તેમના વિમાનને પોતાના એરસ્પેસ પરથી પસાર કરવાની મંજુરી આપે. વિચારવિમર્શ બાદ પાકિસ્તાન તેના પર પોતાની પ્રતિક્રિયા આપશે. વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્રમાં ભાગ લેવા માટે તે સપ્તાહના અંતમાં ન્યૂયોર્ક માટે રવાના થશે.
કાશ્મીર મુદ્દે બંન્ને દેશો વચ્ચે ભારે તણાવ વચ્ચે તે સમાચાર આવ્યા છે. નોંધનીય છે કે, હાલમાં જ પાકિસ્તાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે પણ પોતાના હવાઈ ક્ષેત્રના ઉપયોગની મંજુરી આપવાનો ઈનકાર કરી દીધો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દેશોની મુલાકાતે યુરોપના પ્રવાસે જવાના હતા. પાકિસ્તાને આ પહેલા ગત મહિને વડાપ્રધાન મોદીના ફ્રાંસ પ્રવાસ માટે પોતાના હવાઈ ક્ષેત્રના ઉપયોગની મંજુરી આપી હતી.

