નવરાત્રી બગડવાની પૂરી શક્યતા! તમારા ભારે ઉત્સાહ વચ્ચે જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાત મુખ્ય સમાચાર

હાલ સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. યુવાધને નવરાત્રી માટેની તડામાર તૈયારીઓ કરી લીધી છે. પણ ત્યાં જ નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે. નવરાત્રી દરમિયાન હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. નવરાત્રીમાં ગુજરાતમાં હળાવાથી ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ આવે તેવી શક્યતા છે. નવરાત્રીના શરૂઆતના દિવસોમાં વરસાદ આવી શકે છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ સાથે વાવાઝોડાની પણ સંભાવના છે.

હવામાન ખાતાએ ગુજરાતમાં 29, 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. જેને પગલે ખેલૈયા અને ગરબા આયોજકોમાં થોડો ખચકાટ જોવા મળી રહ્યો છે. વરસાદની આગાહીને કારણે ગરબા આયોજકો પણ મુંઝવણમાં મુકાયા છે. તો આ વખતે નવરાત્રી વરસાદ વિધ્ન બનશે તેવી જાણ થતાં ખેલૈયાઓમાં પણ નિરાશા જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં તો વરસાદ સાથે વાવાઝોડાની પણ સંભાવના છે. તો નવરાત્રીનું ટેન્શન તો લોકોને છે જ, સાથે ખેડૂતોને પણ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ વખતે સિઝનનો 121 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આજે પણ અમદાવાદ સહિત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસ્યો હતો. ત્યારે નવરાત્રીમાં પણ વરસાદ મજા ન બગાડે તે માટે યુવાધન મેઘરાજાને પ્રાથના કરી રહ્યું છે.