સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દે સમર્થન મેળવવામાં નાકામ રહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પરેશાનીઓ વધતી જણાઇ રહી છે. સુન્ની કટ્ટરપંથી ગ્રુપ જમિત ઉલેમા-એ-ઇસ્લામ(જેયૂઆઇ-એફ)ના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને સરકાર વિરુદ્ધ 27 ઓક્ટોબરથી ઈસ્લામાબાદમાં આઝાદી માર્ચ શરુ કરવાની જાહેરાત કરી છે. રહેમાને પાકિસ્તાનના આર્થિક સંકટ માટે ઈમરાન ખાનને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે અમારી લડાઇ સરકારને ઉખાડીને ફેંકવા સુધી ચાલુ રહેશે.
રહેમાને પાકિસ્તાની મીડિયાને કહ્યું, ”વર્તમાન સરકાર નકલી ચૂંટણીનું પરિણામ છે. દરેક વિપક્ષી પાર્ટીઓએ 25 જુલાઈના થયેલી ચૂંટણીને નકારી દીધી છે અને ફરીથી ચૂંટણીની માંગ કરી છે. સરકારની નાકામીને કારણે દેશ આર્થિક સંકટમાં છે. તેના વિરોધમાં અમે ડી ચોક પર ભેગા થઇશું. અમે આસાનીથી તૂટવાના નથી. ઈમરાન સરકારને ઉખાડી ફેંકવા સુધી આંદોલન ચાલુ રહેશે. ”
પાકિસ્તાનમાં વેપારમાં ભારે નુકશાન, ઉંચા ટેક્સ રેટથી ધંધા બંધ
રહેમાન પ્રમાણે પાકિસ્તાનમાં વેપાર ઠપ્પ થઇ ગયો છે. ઉંચા ટેક્સ રેટથી વેપારીઓએ ધંધા બંધ કરી દીધા છે. પાકિસ્તાનની ધાર્મિક પરિસ્થિતિને લઇને પણ મુસલમાનોમાં ભારે ગુસ્સો છે. જેયુઆઇ-એફના માર્ચમાં વિપક્ષની પાર્ટી પીએલએમ-એન અને પીપીપી પણ સામેલ થશે. દેશભરના નેતા ઈસ્લામાબાદના ડી ચોક પર સરકાર વિરુદ્ધ ભેગા થશે.
પાકિસ્તાનમાં મોંઘવારી ચરમસીમા પર , ફુગાવો 10 ટકા ઉપર
ઈમરાન ખાને પ્રધાનમંત્રી બન્યા બાદ ચીન, સાઉદી અરબ, UAE અને કતર જેવા જૂના સહયોગી પાસે ફંડ માટે વિનંતી કરી હતી. છેલ્લા 8 મહિનામાં અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે 64 ખરબ રૂપિયાની લોન પણ લઇ લીધી છે પણ હાલત હજુ સુધરી નથી. પાકિસ્તાનમાં ફુગાવાનો દર 10 ટકા ઉપર પહોંચી ગયો છે અને લોકો મોંઘવારીથી પરેશાન છે.

