ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશને ઈનિંગ અને 130 રનથી હરાવીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમે બેટિંગ તેમજ બોલિંગ અને ફિલ્ડિંગ એમ તમામ ક્ષેત્રે દમદાર પ્રદર્શન દ્વારા પ્રવાસી બાંગ્લાદેશની ટીમ વિરુદ્ધ સરળતાથી વિજય મેળવી લીધો છે. ભારત તરફથી બોલર મોહમ્મદ શમીએ ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિને ત્રણ વિકેટ લીધી હતી. ઉમેશ યાદવે બે અને ઈશાંત શર્માએ બીજી ઈનિંગમાં એક વિકેટ ઝડપી હતી.
બાંગ્લાદેશની ટીમ પ્રથમ ઈનિંગમાં 150 રનમાં ઓલઆઉ થઈ ગઈ હતી. ભારતીય ઓપનર મયંક અગ્રવાલની બેવડી સદી તેમજ પૂજારા, રહાણે અને જાડેજાની અડધી સદીની મદદથી ભારતે બાંગ્લાદેશ સામે 493/6(ડીક્લેર) તોતિંગ સ્કોર ખડકી દીધો હતો. ભારતે ત્રણ જ દિવસમાં ટેસ્ટમાં જીત મેળવી હતી. ઈનિંગ ડીક્લેર કર્યા બાદ બાંગ્લાદેશે બીજી ઈનિંગમાં પણ ખાસ દેખાવ કર્યો નહતો. મુશ્ફિકુર રહીના 64 તેમજ લિટોન દાસના 35 તેમજ મેંદી હસનના 38ને બાદ કરતા કોઈપણ બેટ્સમેન ક્રીઝ પર લાંબો સમય ટકી શક્યો નહતો.
ભારત છેલ્લી છ ટેસ્ટ મેચ જીતીને આઈસીસી ચેમ્પિયનશિપમાં 300 પોઈન્ટ સાથે ટોચના ક્રમે છે તેમજ તેનો સફળતાનો રેશિયો પણ 100 ટકા થયો છે. ભારત અને બાંગ્લાદેશ વિરુદ્ધ અત્યાર સુધીમાં 10 ટેસ્ટ મેચ રમાઈ છે જે પૈકી આઠમાં ભારતની જીત થઈ છે જ્યારે બે ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ભારત ઘરઆંગણે બાંગ્લાદેશ સામે ફેબ્રુઆરી 2018માં એકમાત્ર ટેસ્ટ રમ્યું હતું. ટીમ ઈન્ડીયાએ આ મેચ 208 રને જીતી લીધી હતી. બન્ને ટીમો વચ્ચે આ સાતમી ટેસ્ટ સીરિઝ છે. આ તમામ સીરિઝમાં ભારતીય ટીમ અજેય રહી છે.