ઉમરગામમાં સાંબેલાધાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા

ગુજરાત મુખ્ય સમાચાર

ભરતસિંહ વાઢેર,કિર્તેશ પટેલ, ઉમરગામ : દક્ષિણ ગુજરાતમાં મેઘાએ ધમાકેદાર ઇનિંગ રમી છે. છેલ્લા 48 કલાકથી વરસી રહેલા વરસાદના પગલે અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે. વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઉમરગામના રોહિતવાસમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રોહિતવાસ સહિતના અનેક નીચાણવાળા વિસ્તાર ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાયા છે. દમણગંગા નદીના ઉપરવાસમાં ભારેવરસાદના કારણે મઘુવન ડેમ ઑવરફ્લો થયો હતો. ડેમ ઑવરફ્લો થતાં સાત દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમમાં 2 લાખ ક્યૂસેક પાણીની આવક થતાં દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે.

ઉમરગામના વોર્ડ નંબર ચારમાં ગળા સરખા પાણી ભરાઈ ગઈ છે. લોકોની ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ રહી છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં સવારથી બપોરે સુધીમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. રહેણાક વિસ્તારમાં કેડસમાં પાણી ભરાતા પશુઓ છાપરે ચડી ગયા હતા.

દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા સતત વરસાદના પગલે દમણગંગા નદીમાં ઘોડાપુર આવ્યું છે. ઉપરવાસમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહેવા લાગી હતી. ન્યૂઝ 18 દમણગંગા ખાતે પહોંચ્યું હતું અને રૂબરૂ અહેવાલ મેળવ્યો હતો. દમણ ગંગાએ રૌદ્ર રૂપ ધારણ કર્યુ છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ પ્રમાણએ વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 8.15 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડ શહેરમાં 8.09 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં 7.9 ઇંચ વાપીમાં 7.9 ઇંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મોટાભાગની નદીઓ બે કાંઠે થઇ છે.