GDP દર ઘટ્યો હોવાનું સ્વીકાર્યુ નાણામંત્રી નિર્મલા સીતારમને

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કેન્દ્ર સરકારે આર્થિક મંદીમાં જીડીપી ઘટી હોવાનો સ્વીકાર કર્યો છે. સોમવારે લોકસભા દરમિયાન સરકારે આર્થિક મંદી મામલે પૂછાયેલા સવાલના જવાબમાં આ બાબત સ્વીકારી હતી, પરંતુ તેની સાથે સરકારે એમ પણ જણાવ્યું હતું કે, ભારત જી-20માં સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમને એક લેખિત જવાબમાં કહ્યું હતું કે 2014-19 દરમિયાન સરેરાશ જીડીપી વિકાસ દર 7.5 % હતો, જે જી-20 દેશોમાં સૌથી વધારે હતો. વર્ષ 2019માં વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકએ વિશ્વસ્તરે ઉત્પાદન અને વેપારમાં મંદીની ધારણા કરી હતી. એમ છતા વર્તમાન સમયમાં જીડીપીમાં ઘટાડા પછી પણ WEOની ધારણા મુજબ ભારત જી-20 દેશોમાં સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા છે.

આ મુદ્દે નિર્મલા સીતારમને જણાવ્યું કે દેશનો જીડીપી વિકાસ દર વધારવા માટે સરકાર અર્થવ્યવસ્થામાં સંતુલન જાળવી રાખવાના બનતા દરેક પ્રયત્ન કરી રહી છે.

નાણામંત્રીએ જણાવ્યું કે વિશ્વ બેંકના રિપોર્ટ મુજબ 2017મા જીએસટી પછી ભારતનું રેન્કિંગ 2018ના 77ના બદલે 2019માં 63 થઇ હતી. તેમણે જણાવ્યું કે ગત પાંચ વર્ષ દરમિયાન સરકારે રોકાણ વધારવા માટે અનેક સુધારા કર્યા, જેથી ભારત પાંચ ટ્રિલિયન અમેરિકન ડોલર અર્થવ્યવસ્થાવાળો દેશ બની શકે.