બીજેપી સાથે આવશે શિવસેના? શું છે પીએમ મોદી અને પવારના નિવેદનોનો અર્થ

મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર બનાવવા માટે શિવસેના અને એનસીપી તથા કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી મંત્રણાઓ ખતમ થવાનું નામ નથી લેતી. તાજેતરમાં મહારાષ્ટ્ર રાજનીતિમાં દિગ્ગજ કહેવાતા શરદ પવારે તેમની સોનિયા ગાંધી સાથેની મુલાકાત પરથી પડદો ઉઠાવ્યો હતો, જેમાં તેમણે સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર મુદ્દે સોનિયા ગાંધી સાથે ચર્ચા નથી થઇ, આ મુદ્દે પાર્ટીઓના પ્રતિનિધિઓ બેઠક કરશે અને તે દરમિયાન સંભવિત નિર્ણય લેવાય તો લેવાય.

જો કે સમગ્ર ઘટના દરમિયાન NDA સાથે સંબંધ તોડીને શિવસેના એનસીપી અને કોંગ્રેસનો ટેકો લેવા માટે વળી છે. આથી સરકાર બનાવવાના કોંગ્રેસ-એનસીપીના નિર્ણયમાં જેટલો વિલંબ થઇ રહ્યો છે, શિવસેના એટલી જ ઉતાવળી જોવા મળી રહી છે. 

આ બધા વચ્ચે રસપ્રદ બાબત એ છે કે, મહારાષ્ટ્રના રાજકારણમાં બીજેપી અને શિવસેના ફરીથી સાથે આવે તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે આ અંગે ખુલાસો કરતા જણાવ્યું કે, તેમણે બીજેપી અને શિવસેના સાથે સમજૂતી કરાર માટે સંજય રાઉત સાથે વાતચીત કરી છે. તેમણ જણાવ્યું કે આ માટે મેં તેમની સમક્ષ નવા સમીકરણનો વિચાર વ્યક્ત કર્યો જે હેઠળ ત્રણ વર્ષ મુખ્યમંત્રી પદ બીજેપી માટે અને બાકીના બે વર્ષ શિવસેના માટે વહેંચણી કરી શકાય છે. અઠાવલેના મુજબ આ મામલે સંજય રાઉતે જણાવ્યું કે જો બીજેપી સહમત હોય તો આ મુદ્દે શિવસેના વિચાર કરશે. આ મુદ્દે બીજેપી સાથે ચર્ચા કરી શકાય છે.  

આ પહેલીવાર નથી જ્યાં અઠાવલેએ બંને પાર્ટીઓના મતભેદ પર કોઇ નિવેદન આપ્યા હોય. રવિવારે પણ તેમણે દાવો કર્યો હતો કે, આવનારા દિવસોમાં બીજેપી અને શિવસેના સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવશે. અઠાવલે સતત આ વાત વાગોળી રહ્યા હતા કે, જનાદેશન જોતા રાજ્યમાં બીજેપી અને શિવસેના ગઠબંધનની સરકાર બનવી જોઇએ.

આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન સોમવારે શરુ થયેલા સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ પીએમ મોદીએ એનસીપીના પ્રશંસા કરી હતી. બારીકાઇથી અને સંકેતો દ્વારા મોટી વાત કહેવા માટે જાણીતા છે પીએમ મોદીના આ પ્રકારના સંબોધનને ભવિષ્યની સ્થિતિ સાથે સાંકળીને જોવામાં આવી રહ્યું છે.