ગાંધી પરિવારની રૂ. 100 કરોડના ઈન્કમ ટેક્સની ફાઈલ ખુલે તેવી શક્યતા

મુખ્ય સમાચાર રાજકીય

ગાંધી પરિવારને ઈન્કમ ટેક્ષ વિભાગ તરફથી મોટો ફટકો લાગી શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ 100 કરોડ રૂપિયાના ટેક્સની ફાઈલ ખુલી શકે છે. યંગ ઈન્ડિયનને નોન પ્રોફિટ સંસ્થા ગણાવનારા ગાંધી પરિવારના દાવાને ટેક્સ ટ્રિબ્યૂનલે ફગાવી દીધો છે.

કોંગ્રેસે યંગ ઈન્ડિયનને લોન આપી હતી. હવે કોંગ્રેસને ઈન્કમ ટેક્ષમાં મળતી છૂટછાટ પર રોક લાગી શકે છે કારણ કે, કોંગ્રેસે કંપનીઓની મદદ કરીને નિયમોનો ભંગ કર્યો છે. નોંધનીય છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી યંગ ઈન્ડિયન કંપનીના ડાયરેક્ટર છે. બંનેની પાસે કંપનીની 36%ની ભાગીદારી છે.

બીજી તરફ મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડીસની પાસે 600 શેર્સ છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ઈન્કમ ટેક્ષ વિભાગ તરફથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ ફટકારીને 100 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવવા માટે જણાવાયું હતું. ઈન્કમટેક્ષની આકારણી અનુસાર ગાંધી પરિવારે જે રિટર્ન ફાઈલ કર્યું હતું તેમાં 300 કરોડ રૂપિયાની આવકની કોઈ જાહેરાત કરવામાં આવી નહતી. આટલી મોટી રકમ પર લગભગ 100 કરોડ રૂપિયા જેટલો ટેક્સ ચૂકવણી પાત્ર છે. હવે આ મામલાની ફાઈલ ફરીથી ખુલશે તેવું લાગી રહ્યું છે.