લોકસભા ચૂંટણી પહેલાં પોતાની માગણીઓ મુદ્દે આંદોલન કરીને સચિવાલયનો ઘેરાવ કરનારા શિક્ષકોની માગણી આખરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ત્રણ મંત્રીઓની કમિટીએ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથેની બેઠક બાદ સ્વીકારી છે. શિક્ષકોની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવાનો સરકારે સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. જોકે તેના કારણે થનારા પગારવધારાના એરિયર્સના લાભો રોકડ સ્વરૂપે નહીં ચૂકવાય તેવો નિર્ણય લેવાયો છે. શિક્ષકોને ફિક્સ પગારનો સમયગાળો નોકરીમાં સળંગ ગણવામાં આવશે. આ સમયગાળાને કારણે બઢતી, સિનિયોરીટી, ગ્રેજ્યુઇટી, પેન્શનના લાભો મળશે. નોકરી સળંગ ગણવાથી નવી પગાર બાંધણી થશે તેમાં તફાવતની રકમ (એરીયર્સ) રોકડ કે અન્ય કોઇપણ સ્વરૂપે ચૂકવવાપાત્ર થશે નહીં, આ તમામ લાભો નોશનલ ગણાશે. સળંગ નોકરીને કારણે પગાર બાંધણી થવાથી મળતા લાભો 1 એપ્રિલ 2019 પછી મળવાપાત્ર થશે. જે શિક્ષકો જૂની પેન્શન યોજનામાં છે તે જૂની યોજનામાં અને નવામાં છે તે નવી યોજનામાં યથાવત રહેશે.

