ડેપ્યુટી CMએ કહ્યું-‘આજવા સરોવરમાંથી પાણી છોડવાથી અને ભારે વરસાદને કારણે પૂર આવ્યું’

ગુજરાત મુખ્ય સમાચાર

વડોદરાઃ વડોદરા શહેરમાં આવેલા વિનાશક પૂરની સમીક્ષા કરવા માટે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વડોદરા આવ્યા હતા. વડોદરા શહેરના વિવિધ પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આજવા સરોવરમાંથી છોડવામાં આવેલા પાણી અને શહેરમાં થયેલા ભારે વરસાદને કારણે શહેરમાં પૂરની સ્થિતીનું નિર્માણ થયું છે. વાસ્તવમાં આજવા સરોવરની સપાટી 15 ઓગષ્ટ સુધી 211 ફૂટ સુધી સ્થિર રાખવાનો નિયમ છે. 211 ફૂટની ઉપરનું પાણી વિશ્વામિત્રીમાં આવતા અને શહેરમાં થયેલા 20 ઇંચ વરસાદને કારણે શહેર પાણીમાં ડૂબ્યું છે. વહીવટી તંત્ર દ્વારા નાયબ મુખ્યમંત્રીને યોગ્ય માહિતી આપવામાં ન આવતા તેઓએ પત્રકારોને જણાવ્યું કે, આજવા સરોવરમાંથી પાણી છોડતા શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે.

વડોદરા પૂરના અસરગ્રસ્તોને સરકાર દ્વારા મદદ કરશે
આ ઉપરાંત જે દિવસે ભારે વરસાદ થયો તે દિવસે મોડી સાંજ સુધી ક્રાઇમ કોન્ફરન્સ ચાલુ હતી. સમગ્ર શહેર પાણીમાં ડૂબી ગયા બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું. જે રીતે વરસાદ પડ્યો અને પાણી ભરાવાનું શરૂ થયું હતું. ત્યારથી જ તંત્ર કામે લાગી ગયું હોત તો કદાચ વડોદરા શહેરની આજે જે સ્થિતી છે. તે સર્જાઇ ન હોત. પરંતુ નાયબ મુખ્યમંત્રીએ પોલીસ ક્રાઇમ કોન્ફરન્સ અંગે અજાણ હોવાનું જણાવીને પોલીસની તંત્રની કામગીરીના વખાણ કર્યાં હતા. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં આવેલા પૂરના અસરગ્રસ્તોને સરકાર દ્વારા તમામ પ્રકારની મદદ કરવામાં આવશે. આજે મોટાભાગના વિસ્તારોમાં પાણી ઓસરી ગયા છે. આગામી બે દિવસમાં શહેરની સ્થિતી પૂર્વવત થઇ જશે. અસરગ્રસ્તોને સરકાર દ્વારા નક્કી કર્યાં મુજબનું કેશડોલ સહિતની તમામ શક્ય સહાય કરવાની ખાતરી આપી હતી.

નાયબ મુખ્યમંત્રીએ સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી
નાયબ મુખ્યમંત્રીએ સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અને સયાજી હોસ્પિટલમાં જરૂયાત મુજબની દવા, ઓક્સિજન સહિતના જથ્થા અંગેની હોસ્પિટલ સત્તાવાળાઓ પાસે માહિતી મળવી હતી. આ સાથે હોસ્પિટલ સત્તાવાળાઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીએ પૂરગ્રસ્તોની મુલાકાત આવેલા પ્રદેશ ભાજપા પ્રમુખ જીતુ વાઘાણી મુજમહુડા વિસ્તારમાં કેડ સમા પાણીમાં જઇને અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. અને તેઓની તંત્ર તરફથી સહાય મળી રહી છે કેમ તે અંગેની પણ વિગતો મળી હતી. આ સાથે મૃતક પરિવારના બે બાળકોને દત્તક લેવાની ખાતરી આપી હતી. અસરગ્રસ્ત વિસ્તારમાં તેઓના હસ્તે દૂધ-બિસ્કીટ, પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ સાથે મંત્રી યોગેશ પટેલ, સાંસદ રંજનબહેન ભટ્ટ, સ્થાયિ સમિતી ચેરમેન સતિષ પટેલ, ભાજપા અગ્રણી શબ્દશરણ બ્રહ્ણભટ્ટ વિગેરે જોડાયા હતા.

જીતુ વાઘાણીએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આજે વડોદરા શહેરના અસરગ્રસ્ત વિસ્તાર મુજમહુડા ખાતે કેડ સમા પાણીમાં ફરીને વિસ્તારના અસરગ્રસ્તોને મળ્યા તેમજ તેમની વેદનાને સમજીને સાંત્વના આપી હતી તથા અસરગ્રસ્તોને સહાય મળે છે કે, કેમ તે અંગે પણ પૃચ્છા કરી હતી.