કેબિનેટે બુધવારે BPCL સહિત 5 સરકારી કંપનીઓમાં હિસ્સો વેચવાની મંજૂરી આપી છે. આ પ્રથમ વાર નથી કે જ્યારે સરકારે કોઈ મોટી કંપનીમાં વિનિવેશનો નિર્ણય લીધો હોય. આ પહેલા મારૂતિ અને હિન્દુસ્તાન જિંક જેવી કંપનીઓના પણ મોટા ઉદાહરણ છે. આ બંને કંપનીઓ ખાનગીકરણ બાદ ઘણું સારું પ્રદર્શન કરી રહી છે. મારૂતિના શેરે 2003માં લિસ્ટિંગ બાદ છેલ્લા 16 વર્ષમાં 5600 ટકા રિટર્ન આપ્યું છે.
સરકાર 2007માં મારૂતિમાંથી સંપૂર્ણ રીતે નીકળી ગઈ હતી
- મારૂતિ સુઝુકીની શરૂઆત 1982માં તત્કાલીન સરકાર અને જાપાનની ઓટો કંપની સુઝુકીના જોઈન્ટ વેન્ચર અંતર્ગત થઈ હતી. તે સમયે સરકારનો 74 ટકા અને સુઝુકીનો 26 હિસ્સો હતો. બાદમાં સુઝુકીએ 2 વખતમાં વધારાનો શેર ખરીદીને હિસ્સેદારી 50 ટકા વધારી દીધી. 1992માં સરકારનું શેરહોલ્ડિંગ 50 ટકાથી નીચે આવી ગયું અને મારૂતિને ખાનગી કંપની જાહેર કરવામાં આવી. 2002માં સરકારે મેનેજમેન્ટ કન્ટ્રોલ પણ ટ્રન્સફર કર્યો અને 2007માં બાકી બચેલો તમામ હિસ્સો વેચીને સંપૂર્ણ રીતે કંપનીમાંથી બહાર નીકળીગઈ.
- મારૂતિ સુઝુકી જુલાઈ 2003માં 125 રૂપિયા પ્રાઈસ પર આઈપીઓ લાવી. બુધવારે શેરની ક્લોઝિંગ પ્રાઈસ 7114.10 રૂપિયા રહી. એટલે કે છેલ્લા 16 વર્ષમાં શેરમાં 5600 ટકા તેજી આવી. મારૂતિ સુઝુકી આજે દેશની સૌથી મોટી વ્હીકલ મેન્યુફેકચરિંગ કંપની છે.
- હિન્દુસ્તાન જિંકની શરૂઆત 1966માં થઈ હતી. 2002માં સરકારે સ્ટ્રેટેજિક વિનિવેશની યોજના અંતર્ગત તેનો 26 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો. સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝે 26 ટકા શેર સરકાર પાસેથી અને 20 ટકા આમ શેરધારકો પાસેથી ખરીદ્યા હતા. 2003માં સરકારે 18.92 ટકા બીજા શેર વેચી દીધા. હિન્દુસ્તાન જિંક વિશ્વની ટોપ-3 જિંક ખનન કંપનીઓમાંથી એક છે. તે વિશ્વની 10 અગ્રણી ચાંદી ઉત્પાદક કંપનીઓમાં પણ સામેલ છે.

